<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

IPL 2026 નો ધમાકેદાર પ્રારંભ: વિરાટ કોહલી રચશે 9000 રનનો ‘મહા-વિક્રમ’, ભુવનેશ્વર કુમાર 200 વિકેટના શિખરને સર કરવા તૈયાર

RCB અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની ટક્કર સાથે સીઝનનો આગાઝ: ધોની, સંજુ સેમસન અને સૂર્યકુમાર યાદવ પર રહેશે દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓની મીટ

બેંગ્લુરુ: તા.૨૮: દુનિયાની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ IPL ની 19મી સીઝનનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે મેદાન પર માત્ર ચોગ્ગા-છગ્ગાની રમઝટ જ નહીં, પરંતુ અનેક ઐતિહાસિક કીર્તિમાનો પણ સર્જાવા જઈ રહ્યા છે. સીઝનની પ્રથમ મેચમાં જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામસામે ટકરાશે, જેનાથી રેકોર્ડ બ્રેક સીઝનની શરૂઆત થશે.
બધાની નજર રન મશીન વિરાટ કોહલી પર છે. કોહલીને IPL ઈતિહાસમાં 9000 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બનવા માટે માત્ર 339 રનની જરૂર છે. એટલું જ નહીં, જો તે વધુ 9 સિક્સર ફટકારે છે, તો તે ક્રિસ ગેલ અને રોહિત શર્માના 300 સિક્સરના ક્લબમાં પણ સામેલ થઈ જશે. બીજી તરફ, સ્વિંગના કિંગ ભુવનેશ્વર કુમારને IPL માં 200 વિકેટ પૂરી કરવા માટે માત્ર 2 વિકેટની જરૂર છે, જે એક મોટો રેકોર્ડ હશે.
 
આ સીઝનના સંભવિત 'માઈલસ્ટોન્સ' પર એક નજર:
•    સંજુ સેમસન: રાજસ્થાનથી ચેન્નઈ સુપર કિંગ્સમાં ટ્રેડ થયેલો સંજુ સેમસન 5000 રનના આંકડાથી માત્ર 296 રન દૂર છે.
•    એમ.એસ. ધોની: 44 વર્ષીય ધોની IPL ઈતિહાસના બીજા સૌથી મોટી ઉંમરના ખેલાડી બનીને મેદાનમાં ઉતરશે.
•    સૂર્યકુમાર યાદવ: મુંબઈ ઈન્ડિયન્સ માટે 4000 રન પૂરા કરવા માટે તેને માત્ર 293 રનની દરકાર છે.
•    સુનીલ નારાયણ: કોલકાતાનો આ દિગ્ગજ બોલર 200 વિકેટ પૂરી કરવાથી માત્ર 8 ડગલાં દૂર છે.
 
યુવા ખેલાડીઓમાં શુભમન ગિલ પણ 4000 રનના આંકડાને આંબવા માટે તૈયાર છે, જેના માટે તેને માત્ર 134 રન જોઈએ છે. બોલિંગમાં અર્શદીપ સિંહ 100 વિકેટ પૂરી કરનાર પાંચમો ડાબોડી ફાસ્ટ બોલર બનવાની નજીક છે. ગત સીઝનની જેમ જ આ વખતે પણ જૂના જોગીઓ અને નવા લોહી વચ્ચેની સ્પર્ધા જોવા મળશે.
આજની પ્રથમ મેચ હાઈ-વોલ્ટેજ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. શું વિરાટ કોહલી આજની મેચમાં જ કોઈ નવો રેકોર્ડ બનાવશે? અને શું ધોનીની ચેન્નઈ આ વખતે સંજુ સેમસન સાથે મળીને નવો ઇતિહાસ લખશે? તે જોવું રસપ્રદ રહેશે.

(7:10 PM IST)