<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

રાજકોટમાં ડિસેમ્બરમાં જામશે ભારત અને શ્રીલંકા વચ્ચે ક્રિકેટનો જંગ: BCCIએ જાહેર કર્યું હોમ સિઝનનું શેડ્યૂલ, ગુજરાતને ફાળે 3 મેચો

ટીમ ઈન્ડિયાનું ૨૦૨૬-૨૭નું શિડ્યુલ જાહેર: રાજકોટ, અમદાવાદમાં રમાશે રોમાંચક મુકાબલા

રાજકોટ:ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ની આંતરરાષ્ટ્રીય હોમ સિઝનનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ સિઝન દરમિયાન ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયા જેવી દિગ્ગજ ટીમો સામે ટકરાશે. ખાસ વાત એ છે કે, આ સિઝનમાં ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર છે, કારણ કે રાજ્યમાં કુલ ત્રણ આંતરરાષ્ટ્રીય મેચોનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટના ખંઢેરી સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ૨૨ ડિસેમ્બર ૨૦૨૬ના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે રસાકસીભરી ટી-૨૦ મેચ રમાશે. રાજકોટના ક્રિકેટ ચાહકો માટે આ એક મોટી ભેટ છે, કારણ કે લાંબા સમય બાદ અહીં ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સિતારાઓ મેદાન પર ઉતરશે.
અમદાવાદમાં બે મેચોનું આયોજન
ગુજરાતના અન્ય એક મોટા શહેર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બે મહત્વની મેચો રમાશે. જેમાં ૧૯ ડિસેમ્બર ૨૦૨૬ના રોજ શ્રીલંકા સામે વન-ડે મેચ અને ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૭થી ઓસ્ટ્રેલિયા સામેની પ્રતિષ્ઠિત ટેસ્ટ મેચનો સમાવેશ થાય છે.

BCCIના નવા શેડ્યૂલ મુજબ, આ હોમ સિઝનમાં કુલ ૨૨ મેચો રમાનાર છે, જેનું આયોજન દેશના ૧૭ અલગ-અલગ શહેરોમાં કરવામાં આવ્યું છે. આ સિઝન દ્વારા ભારત પોતાની ધરતી પર વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે સામે મર્યાદિત ઓવરોની શ્રેણી રમશે, જ્યારે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ અને વ્હાઈટ બોલ ક્રિકેટમાં ટકરાશે.
રાજકોટ અને અમદાવાદમાં મેચો ફાળવાતા ગુજરાતના ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

(5:19 PM IST)