<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

આઈપીએલ 2026નો શંખનાદ: 18 વર્ષથી અજેય રહેલા આ 5 રેકોર્ડ્સ શું આ વખતે તૂટશે? ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB પર સૌની નજર!

શનિવારથી શરૂ થઈ રહેલી 19મી સીઝનમાં રોહિત શર્મા અને આરસીબી પાસે ઈતિહાસ રચવાની તક; ઓપનિંગ બેટ્સમેનોના એકાધિકાર અને 300 રનના સ્કોર પર રહેશે ક્રિકેટ પ્રેમીઓની નજર

રાજકોટ, તા.26: વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સીઝન આગામી શનિવાર, 28 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ વખતે ક્રિકેટ ચાહકોમાં અનેરો ઉત્સાહ છે કારણ કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) પ્રથમ વખત 'ડિફેન્ડિંગ ચેમ્પિયન' તરીકે મેદાનમાં ઉતરશે. સીઝનની પ્રથમ મેચમાં જ આરસીબીનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે થશે. પરંતુ આ 18 સીઝન લાંબી સફરમાં પાંચ એવા પરાક્રમો છે જે હજુ સુધી કોઈ ખેલાડી કે ટીમ કરી શક્યા નથી.

1. નોન-ઓપનર ખેલાડી માટે 'ઓરેન્જ કેપ'નો દુકાળ

આઈપીએલના ઈતિહાસમાં 2008 થી 2025 સુધી એક વિચિત્ર સંયોગ રહ્યો છે. અત્યાર સુધી જે 14 ખેલાડીઓએ ઓરેન્જ કેપ (સીઝનમાં સૌથી વધુ રન) જીતી છે, તેઓ તમામ ઓપનિંગ બેટ્સમેનો જ રહ્યા છે. મધ્યક્રમના કોઈ બેટ્સમેને હજુ સુધી આ તાજ પહેર્યો નથી. શું 2026 માં આ પરંપરા તૂટશે?

2. સ્કોરબોર્ડ પર 300 રનનો જાદુઈ આંકડો

ટી-20 ક્રિકેટમાં રનનો વરસાદ થતો હોવા છતાં આઈપીએલમાં હજુ સુધી કોઈ ટીમ 300 રન બનાવી શકી નથી. સનરાઈઝર્સ હૈદરાબાદે 2024 માં આરસીબી સામે 287 રન બનાવ્યા હતા જે અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર છે. હૈદરાબાદની ટીમ આ રેકોર્ડની સૌથી નજીક હોવાનું મનાય છે.

3. ભારતીય બેટ્સમેનનો 150+ નો વ્યક્તિગત સ્કોર

ક્રિસ ગેલ (175*) અને બ્રેન્ડન મેક્કુલમ (158*) જેવા વિદેશી ખેલાડીઓએ 150 થી વધુ રન બનાવ્યા છે, પરંતુ કોઈ ભારતીય આ આંકડો સ્પર્શી શક્યો નથી. હાલમાં ભારતીય બેટ્સમેનોમાં અભિષેક શર્માના નામે સૌથી વધુ 141 રન (2025 માં) નો રેકોર્ડ છે.

4. રોહિત શર્મા અને 600 રનનો આંકડો

દુનિયાના વિસ્ફોટક બેટ્સમેનોમાં જેની ગણના થાય છે તેવા મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર રોહિત શર્મા ક્યારેય એક સીઝનમાં 600 રન બનાવી શક્યા નથી. 'હિટમેન' તરીકે જાણીતા રોહિતે 2023 માં સર્વોચ્ચ 538 રન બનાવ્યા હતા. આ સીઝનમાં ચાહકોને આશા છે કે રોહિત આ રેકોર્ડ ચોક્કસ બનાવશે.

5. RCB અને ફેર પ્લે એવોર્ડ

ગયા વર્ષે આઈપીએલ ટ્રોફી જીતીને વર્ષો જૂનો દુકાળ તોડનાર આરસીબી હજુ સુધી એક પણ વાર 'ફેર પ્લે એવોર્ડ' જીતી શકી નથી. મેદાન પર શિસ્તબદ્ધ વર્તન અને અમ્પાયરોના નિર્ણયોના સન્માન માટે અપાતો આ એવોર્ડ જીતવા માટે પણ આ વખતે બેંગ્લોરની ટીમ પ્રયત્નશીલ રહેશે.

 

(5:04 PM IST)