<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

IPL 2026: ચેન્નઈ સુપર કિંગ્સમાં ઓસ્ટ્રેલિયન સ્ફોટક બોલરની એન્ટ્રી, નાથન એલિસના સ્થાને ધોનીની સેનામાં સામેલ થયો આ ઘાતક ખેલાડી

10 કરોડમાં વેચાઈ ચૂકેલો સ્પેન્સર જોહ્ન્સન હવે CSK માટે મચાવશે ધમાલ: ઈજાગ્રસ્ત એલિસ બહાર થતા ચેન્નઈએ ઓસ્ટ્રેલિયન રફ્તારના સોદાગર પર લગાવ્યો દાવ

 ચેન્નઈ: આઈપીએલ 2026ની સિઝન શરૂ થાય તે પહેલા જ પાંચ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ મોટો માસ્ટરસ્ટ્રોક રમ્યો છે. ટીમના સ્ટાર બોલર નાથન એલિસ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જતાં, સીએસકે મેનેજમેન્ટે કાંગારૂ ટીમના જ ધારદાર ડાબોડી ફાસ્ટ બોલર સ્પેન્સર જોહ્ન્સનને પોતાની ટીમમાં સામેલ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.
એલિસની જગ્યાએ જોહ્ન્સનનો પાવર
આઈપીએલ દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, નાથન એલિસ ઈજાગ્રસ્ત થતા હવે તે આગામી સિઝનમાં રમી શકશે નહીં. તેના સ્થાને ચેન્નઈએ 1.5 કરોડ રૂપિયાની કિંમતે સ્પેન્સર જોહ્ન્સન સાથે કરાર કર્યા છે. જોહ્ન્સનની એન્ટ્રીથી ચેન્નઈના પેસ એટેકને નવી ધાર મળશે, કારણ કે તે ૧૪૫+ ની ઝડપે સચોટ યોર્કર ફેંકવા માટે જાણીતો છે.
કોણ છે આ સ્પેન્સર જોહ્ન્સન?
૩૦ વર્ષીય સ્પેન્સર જોહ્ન્સન ઓસ્ટ્રેલિયાનો ઉભરતો સ્ટાર છે. તેણે અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા માટે ૫ વનડે અને ૮ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે કુલ ૧૮ વિકેટ ઝડપી છે. રસપ્રદ વાત એ છે કે જોહ્ન્સન પાસે ઓસ્ટ્રેલિયા અને ઈટાલી એમ બંને દેશોની નાગરિકતા છે. ૨૦૨૩માં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરનાર આ બોલરે ખૂબ જ ઓછા સમયમાં પોતાની રફ્તારથી બેટ્સમેનોમાં ફાળ ફેલાવી દીધી છે.
કરોડોમાં વેચાયેલો ખેલાડી હવે CSK ના પીળા રંગમાં
જોહ્ન્સન આઈપીએલ માટે કોઈ નવું નામ નથી. ૨૦૨૪ની હરાજીમાં તેની બેઝ પ્રાઈસ માત્ર ૫૦ લાખ હતી, પરંતુ તેની ક્ષમતા જોઈને ગુજરાત ટાઇટન્સે તેને ૧૦ કરોડ રૂપિયા જેવી માતબર રકમમાં ખરીદ્યો હતો. ૨૦૨૫માં તે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી રમ્યો હતો. જોકે, ત્યાં તેને બહુ તક મળી નહોતી, પરંતુ હવે ચેન્નઈ સુપર કિંગ્સના કેમ્પમાં તે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે તૈયાર છે.

(10:24 PM IST)