<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

IPLમાં BCCIનો 'ચાબુક': મેચના દિવસે પ્રેક્ટિસ પર સદંતર પ્રતિબંધ, નિયમો તોડનારા ખેલાડીઓ અને ટીમોને થશે ભારે દંડ

આગામી સિઝનથી મેચના દિવસે સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવા પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે, જેનો હેતુ ખેલાડીઓ પરનું માનસિક દબાણ ઘટાડવા અને ગ્રાઉન્ડને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્થિતિમાં જાળવી રાખવાનો

મુંબઈ:  IPL 2026 હવે માત્ર મનોરંજન નહીં પણ શિસ્તનો ખેલ બની રહેશે. BCCIના નવા ફતવા મુજબ, મેચના દિવસે કોઈ પણ ટીમને સ્ટેડિયમની મુખ્ય પિચ કે નેટ્સમાં પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મુંબઈના વાનખેડે સહિતના તમામ મેદાનો પર બંને ટીમો માટે અલગ-અલગ પ્રેક્ટિસ વિકેટ ફાળવવામાં આવી છે, પરંતુ શરત એ છે કે એક ટીમ બીજી ટીમની વિકેટનો ઉપયોગ સ્વપ્ને પણ કરી શકશે નહીં. એટલું જ નહીં, 'રેન્જ હિટિંગ' માટે પણ મર્યાદિત નેટ્સની જ વ્યવસ્થા કરવામાં આવશે અને ઓપન નેટ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ ફેરફારથી ટીમોની છેલ્લી ઘડીની વ્યૂહરચના અને તૈયારી કરવાની પદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર જોવા મળશે.

મેદાનની બહાર પણ શિસ્તના નિયમો અત્યંત કડક બનાવવામાં આવ્યા છે. હવેથી ખેલાડીઓએ ટીમ બસમાં જ સ્ટેડિયમ આવવું પડશે, જ્યારે તેમના પરિવારજનો કે મિત્રોએ અલગ વાહનોની વ્યવસ્થા કરવી પડશે. ડ્રેસિંગ રૂમની મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે, જ્યાં માત્ર અધિકૃત સ્ટાફ જ પ્રવેશી શકશે. મેચ દરમિયાન પ્રસારણની ગુણવત્તા જાળવવા માટે ઓરેન્જ અને પર્પલ કેપ ધારકોએ ફરજિયાતપણે તે કેપ પહેરવી પડશે. સૌથી મહત્વની વાત એ છે કે, મેચ પછીની પ્રેઝન્ટેશન સેરેમની માટે પણ ચોક્કસ ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે, અને જો કોઈ ખેલાડી આ શિસ્તભંગ કરશે તો તેને મોટો આર્થિક દંડ ફટકારવાની સત્તા મેચ રેફરી પાસે રહેશે.

BCCIએ સ્પષ્ટ કર્યું છે કે મેચના દિવસે મેદાન પર સપોર્ટ સ્ટાફની સંખ્યા પણ મર્યાદિત રહેશે. ટીમ ડૉક્ટર અને ફિઝિયો સિવાય વધારાના સ્ટાફને મેદાન પર ફરવા દેવામાં આવશે નહીં. મેચના દિવસે લેવામાં આવતા ફિટનેસ ટેસ્ટ પણ હવેથી ભૂતકાળ બની જશે, કારણ કે બોર્ડ ઈચ્છે છે કે ખેલાડીઓ મેચના દિવસે સંપૂર્ણપણે તાજા અને દબાણમુક્ત રહે. સ્પોન્સરશિપના નિયમોનું પાલન અને LED બોર્ડથી અંતર રાખવા જેવા ઝીણવટભર્યા નિયમો સૂચવે છે કે આ વખતે IPL એક નવા અવતારમાં જોવા મળશે. આ કડક માર્ગદર્શિકાથી આઈપીએલની ગરિમા વધશે અને રમત વધુ વ્યવસ્થિત બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

(10:36 PM IST)