તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd March 2026
PCBની શરમજનક હરકત: એકતરફ દુનિયાએ સાહિબજાદા ફરહાનને 'કિંગ' માન્યો, બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ફટકાર્યો લાખોનો દંડ!
પાકિસ્તાની ક્રિકેટમાં ફરી એકવાર હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાઈ : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ જે ખેલાડીને ફેબ્રુઆરી 2026નો 'પ્લેયર ઓફ ધ મંથ' જાહેર કર્યો, તે જ સ્ટાર ઓપનર સાહિબજાદા ફરહાનને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ખરાબ પ્રદર્શનના બહાને લાખોનો દંડ ફટકારીને આશ્ચર્યચકિત કરી દીધા

લાહોર: પાકિસ્તાનના ઓપનર સાહિબજાદા ફરહાન માટે ફેબ્રુઆરીનો મહિનો લાગણીઓના રોલર-કોસ્ટર જેવો સાબિત થયો છે. T20 વર્લ્ડ કપ 2026માં બે શાનદાર સદી સાથે 383 રન ફટકારી વિરાટ કોહલીનો રેકોર્ડ તોડનાર આ ખેલાડીને ICCએ સર્વશ્રેષ્ઠ જાહેર કર્યો છે. નવેમ્બર 2024માં હરિસ રૌફ બાદ આ એવોર્ડ જીતનાર તે પ્રથમ પાકિસ્તાની બન્યો છે. જોકે, નવાઈની વાત એ છે કે જ્યારે આખી દુનિયા ફરહાનના બેટિંગ પરાક્રમના વખાણ કરી રહી છે, ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આખી ટીમના સામુહિક નબળા પ્રદર્શનનો ઠીકરું ફરહાન જેવા ફોર્મમાં રહેલા ખેલાડી પર પણ ફોડ્યું છે અને તેના પર ભારે આર્થિક દંડ લાદી દીધો છે.
PCBના આ વિચિત્ર નિર્ણયથી ક્રિકેટ જગતમાં ભારે વિવાદ છેડાયો છે. રમતગમતના નિષ્ણાતો અને સોશિયલ મીડિયા પર ચાહકો પૂછી રહ્યા છે કે, જે ખેલાડીએ વર્લ્ડ કપ જેવા મોટા મંચ પર રનનો ડુંગર ખડક્યો અને દેશનું નામ રોશન કર્યું, તેને પ્રોત્સાહન આપવાને બદલે સજા કેમ? વિવેચકોનું માનવું છે કે PCB અત્યારે આંતરિક રાજનીતિ અને દબાણમાં એવા નિર્ણયો લઈ રહ્યું છે જે ખેલાડીઓનું મનોબળ તોડી શકે છે. ફરહાનના રેકોર્ડબ્રેક પ્રદર્શન છતાં તેને દંડિત કરવો એ પાકિસ્તાની બોર્ડની વ્યવસ્થા સામે મોટા પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કરે છે, જેને ઘણા લોકો 'શરમજનક' ગણાવી રહ્યા છે.
આટલા વિવાદો વચ્ચે પણ સાહિબજાદા ફરહાને પોતાની ખેલદિલી જાળવી રાખી છે. ICC એવોર્ડ સ્વીકારતા તેણે અત્યંત વિનમ્રતાથી પોતાની ખુશી વ્યક્ત કરી અને આ સફળતાનો શ્રેય ટીમના સાથી ખેલાડીઓને આપ્યો. તેણે જણાવ્યું કે વર્લ્ડ કપમાં દેશ માટે રન બનાવવા તે હંમેશા તેનું સપનું હતું અને આ એવોર્ડ તેના માટે પ્રેરણારૂપ છે. જોકે, અંદરખાને પાકિસ્તાની ડ્રેસિંગ રૂમમાં અત્યારે PCBની દંડની નીતિને કારણે ભારે નારાજગી હોવાનું મનાય છે. હવે જોવાનું એ રહેશે કે ICC ના આ સન્માન બાદ શું PCB પોતાની ભૂલ સુધારીને ફરહાનનો દંડ પાછો ખેંચશે કે પછી પાકિસ્તાની ક્રિકેટમાં આ અંધાધૂંધી ચાલુ રહેશે.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
