News of Monday, 23rd March 2026
IPL 2026 રાજસ્થાન રોયલ્સમાં શ્રીલંકન લાયન દાસુન શનાકાની એન્ટ્રી; પાકિસ્તાન સુપર લીગને ઝટકો આપી ₹2 કરોડમાં બન્યો સેમ કરનનો રિપ્લેસમેન્ટ
સેમ કરન ઈજાગ્રસ્ત થતા RR એ અનુભવી ઓલરાઉન્ડર પર લગાવ્યો દાવ; સંગાકારાએ શનાકાને ગણાવ્યો શ્રેષ્ઠ ફિનિશર - ૩૦ માર્ચે ધોનીની CSK સામે રાજસ્થાનની ટક્કર સાથે થશે સિઝનનો પ્રારંભ

જયપુર : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૬ની શરૂઆત પહેલા રાજસ્થાન રોયલ્સ (RR)ના છાવણીમાં મોટા સમાચાર આવ્યા છે. ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરન ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જતા, રાજસ્થાન રોયલ્સે શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને વિસ્ફોટક ઓલરાઉન્ડર દાસુન શનાકાને પોતાના કાફલામાં સામેલ કર્યો છે. શનાકા ₹૨ કરોડની કિંમતે ટીમ સાથે જોડાશે. ખાસ વાત એ છે કે શનાકાએ આઈપીએલમાં રમવા માટે પાકિસ્તાન સુપર લીગ (PSL) અને લાહોર કલંદર્સનો સાથ છોડી દીધો છે.
રાજસ્થાન રોયલ્સના ડિરેક્ટર કુમાર સંગાકારાએ આ અંગે જણાવ્યું હતું કે, "સેમ કરન જેવો ખેલાડી ગુમાવવો એ અમારા માટે મોટો ફટકો છે, પરંતુ દાસુન શનાકાના રૂપમાં અમને એક આદર્શ વિકલ્પ મળ્યો છે. તે મધ્યમ ક્રમમાં આક્રમક બેટિંગ અને ઉપયોગી બોલિંગ દ્વારા ટીમનું સંતુલન જાળવી રાખશે."
શનાકાનો અનુભવ રોયલ્સ માટે ટ્રમ્પ કાર્ડ
૩૪ વર્ષીય દાસુન શનાકા ટી૨૦ ક્રિકેટનો મોટો અનુભવ ધરાવે છે. તેણે શ્રીલંકા માટે ૧૩૧ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ૨૦૨૩માં તે ગુજરાત ટાઇટન્સનો ભાગ હતો, પરંતુ હવે તે રાજસ્થાનના ગુલાબી રંગમાં જોવા મળશે. રાજસ્થાન રોયલ્સ પોતાની પ્રથમ મેચ ૩૦ માર્ચે ગુવાહાટીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે, જ્યાં શનાકા ડેબ્યૂ કરી શકે છે.
અફઘાનિસ્તાન ક્રિકેટનો કાળો દિવસ: હારના આઘાતમાં ચાહકોએ કરી આત્મહત્યા
બીજી તરફ, અફઘાનિસ્તાનના સ્ટાર ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝે એક હૃદયદ્રાવક ખુલાસો કર્યો છે. ૨૦૨૨ના એશિયા કપમાં પાકિસ્તાન સામે મળેલી હારને યાદ કરતા ગુરબાઝે જણાવ્યું કે તે હાર એટલી આઘાતજનક હતી કે અફઘાનિસ્તાનમાં કેટલાક ચાહકોએ આત્મહત્યા કરી લીધી હતી.
નસીમ શાહે છેલ્લી ઓવરમાં બે છગ્ગા ફટકારીને અફઘાનિસ્તાનના જડબામાંથી જીત છીનવી લીધી હતી. ગુરબાઝે ભાવુક થતા કહ્યું, "અમે એ મેચ હારી ગયા તેનો વિશ્વાસ આજે પણ થતો નથી. મેદાન પર ખેલાડીઓ રડતા હતા અને ઘરેથી સમાચાર મળ્યા કે ચાહકો આ હાર સહન ન કરી શક્યા અને તેમણે પોતાનો જીવ આપી દીધો. તે અમારા માટે અત્યંત પીડાદાયક ક્ષણ હતી."
ક્રિકેટ માત્ર એક રમત નથી પણ લોકો માટે ભાવના છે, અને ગુરબાઝના આ નિવેદને ફરી એકવાર સાબિત કર્યું છે કે અફઘાનિસ્તાન માટે ક્રિકેટના મેદાનની હાર-જીત કેટલી માયને રાખે છે.
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
