તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd March 2026
KKR ના મુંબઈકર અંગક્રિશ રઘુવંશીનો 'ઈડન' માં ધબધબાટી: પ્રેક્ટિસ મેચમાં તોફાની સદી ફટકારી મચાવી સનસનાટી
આઈપીએલ ૨૦૨૬ પૂર્વે કોલકાતા નાઈટ રાઈડર્સના કેમ્પમાં યુવા પ્રતિભાનો વિસ્ફોટ; માત્ર ૫૫ બોલમાં ૧૦૩ રનની અણનમ ઇનિંગ્સ રમી પર્પલ ટીમને અપાવ્યો શાનદાર વિજય, અજિંક્ય રહાણે અને રિન્કુ સિંહની આગેવાનીમાં ખેલાયેલા જંગમાં ૨૧ વર્ષીય અંગક્રિશના પાવરફુલ શોટ્સ જોઈ મેનેજમેન્ટ ગદગદ

રાજકોટ: કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર આઈપીએલ ૨૦૨૬ ની તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના ખેલાડીઓ વચ્ચે રમાયેલી ઈન્ટ્રા-સ્ક્વોડ પ્રેક્ટિસ મેચમાં મુંબઈના ૨૧ વર્ષીય યુવા બેટ્સમેન અંગક્રિશ રઘુવંશીએ બેટ વડે કમાલ કરી બતાવી છે. પર્પલ ટીમ તરફથી રમતા અંગક્રિશે વિરોધી બોલરોની લાઈન-લેન્થ બગાડી નાખી હતી અને માત્ર ૫૫ બોલમાં ૧૦૩ રનની વિસ્ફોટક અણનમ ઇનિંગ્સ રમીને પોતાની દાવેદારી મજબૂત કરી દીધી છે. આ આક્રમક સદીના આધારે તેની ટીમે ૨૦૦ થી વધુ રનનો લક્ષ્યાંક અત્યંત સરળતાથી હાંસલ કરી લીધો હતો, જે જોઈને ટીમ મેનેજમેન્ટ અને કોચિંગ સ્ટાફ પ્રભાવિત થયા છે.
આ પ્રેક્ટિસ મેચમાં બે ટીમો પાડવામાં આવી હતી, જેમાં અજિંક્ય રહાણે પર્પલ નાઈટ્સ અને રિન્કુ સિંહ ગોલ્ડન નાઈટ્સના કેપ્ટન બન્યા હતા. પ્રથમ બેટિંગ કરતા ગોલ્ડન નાઈટ્સની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૧૯૮ રનનો મજબૂત સ્કોર ખડક્યો હતો. ટીમ વતી રિન્કુ સિંહે ૪૦ રન અને ટિમ સાઈફર્ટે ૪૬ રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. ૧૯૯ રનના મોટા સ્કોરનો પીછો કરવા ઉતરેલી પર્પલ ટીમની શરૂઆત સારી રહી હતી, પરંતુ સાચો જાદુ અંગક્રિશ રઘુવંશીના બેટમાંથી જોવા મળ્યો હતો. તેણે મેદાનના ચારેબાજુ આકર્ષક શોટ્સ ફટકારીને ગોલ્ડન ટીમના બોલરોને લાચાર કરી દીધા હતા.
ઝિમ્બાબ્વેના સ્ટાર પેસ બોલર મુઝરબાની બ્લેસિંગ પણ અંગક્રિશના પ્રહારથી બચી શક્યો નહોતો. મુઝરબાનીએ ૩ ઓવરમાં ૩૦ રન ખર્ચીને માત્ર ૧ વિકેટ ઝડપી હતી. અંગક્રિશની સદીની મદદથી પર્પલ નાઈટ્સની ટીમે ૧૯.૨ ઓવરમાં જ ૨૦૩ રન બનાવીને ૬ વિકેટે યાદગાર જીત નોંધાવી હતી. ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ તરફથી રમતા આ યુવા ખેલાડીએ સાબિત કરી દીધું છે કે તે મોટા મંચ પર પ્રદર્શન કરવા માટે હવે સંપૂર્ણ રીતે સજ્જ છે. આ સદી બાદ ડ્રેસિંગ રૂમમાં પણ અંગક્રિશનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જે તેની વધતી જતી પ્રતિષ્ઠાનો પુરાવો છે.
KKR માટે આ સીઝન ઘણી આશાસ્પદ દેખાઈ રહી છે કારણ કે તેમના યુવા ખેલાડીઓ અત્યારથી જ લયમાં જોવા મળી રહ્યા છે. ૨૦૨૬ની સીઝન શરૂ થાય તે પહેલા જ આ પ્રકારનું ફોર્મ ટીમના સંતુલન માટે ખૂબ જ મહત્વનું છે. અજિંક્ય રહાણે જેવા અનુભવી ખેલાડીના માર્ગદર્શન હેઠળ અંગક્રિશ જે રીતે નિખરી રહ્યો છે, તે જોતા આગામી આઈપીએલ મેચોમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં મહત્વની ભૂમિકા મળી શકે છે. ચાહકો પણ હવે આ મુંબઈકર ખેલાડીને ઈડન ગાર્ડન્સના મેદાન પર સત્તાવાર મેચોમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવતા જોવા આતુર છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
