<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

ફિફા વર્લ્ડ કપમાં ફૂટબોલ નહીં પણ 'યુદ્ધ'ના પડઘા: ખેલાડીઓની સુરક્ષા મુદ્દે ઈરાનનો અમેરિકામાં રમવા ઇનકાર; મેચો મેક્સિકો ખસેડવા FIFA સાથે આરંભી વાટાઘાટો!

ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ ઈરાની ફૂટબોલ ફેડરેશન એક્શનમાં: લોસ એન્જલસ અને સિએટલને બદલે હવે મેક્સિકોમાં રમાઈ શકે છે ઈરાનની મેચો; જો FIFA મંજૂરી નહીં આપે તો ઈરાન વર્લ્ડ કપમાંથી ખસી જવાની શક્યતા

તેહરાન : વિશ્વના સૌથી મોટા ફૂટબોલ મહાકુંભ 'ફિફા વર્લ્ડ કપ 2026' પર યુદ્ધ અને ભૌગોલિક રાજકીય તણાવના કાળા વાદળો છવાયા છે. ઈરાને તેના ખેલાડીઓની સુરક્ષાને ટાંકીને અમેરિકામાં નિર્ધારિત તેની મેચોને મેક્સિકો ખસેડવા માટે FIFA સાથે ગંભીર મંત્રણા શરૂ કરી છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા તાજેતરના હવાઈ હુમલા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો ચરમસીમાએ વણસ્યા છે, જેની સીધી અસર હવે ખેલજગત પર જોવા મળી રહી છે.
ટ્રમ્પના નિવેદને વધારી ચિંતા
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડિયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈરાની ટીમ વર્લ્ડ કપ માટે આવકાર્ય છે, પરંતુ તેમણે સાથે એવી ટિપ્પણી પણ કરી હતી કે ઈરાની ખેલાડીઓ માટે 'પોતાના જીવન અને સુરક્ષા' માટે અમેરિકા આવવું યોગ્ય નહીં હોય. આ નિવેદનને ગંભીરતાથી લેતા ઈરાની ફૂટબોલ પ્રમુખ મેહદી તાજે સ્પષ્ટ કર્યું છે કે, "જ્યારે અમેરિકા પોતે અમારી સુરક્ષાની ખાતરી આપી શકતું નથી, ત્યારે અમે ત્યાં મુસાફરી કરીશું નહીં."
લોજિસ્ટિકલ પડકાર અને ઈતિહાસ
વર્લ્ડ કપના શિડ્યુલ મુજબ, ઈરાન તેની ગ્રુપ સ્ટેજની બે મેચો લોસ એન્જલસમાં અને એક સિએટલમાં રમવાનું હતું. ઈરાન આ વખતે બેલ્જિયમ, ઈજિપ્ત અને ન્યુઝીલેન્ડ સાથે ગ્રુપ-G માં છે. જો મેચો મેક્સિકો ખસેડવામાં આવે, તો તે ટુર્નામેન્ટના આયોજન માટે મોટો લોજિસ્ટિકલ ફેરફાર ગણાશે. જોકે, રમતગમતમાં રાજકીય કારણોસર સ્થળ બદલવાની ઘટના નવી નથી. અગાઉ ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીની ભારતની મેચો દુબઈ ખસેડવામાં આવી હતી.
ખસી જવાની ચીમકી
ઈરાનના રમતગમત મંત્રીએ તો ત્યાં સુધી સંકેત આપ્યા છે કે જો પરિસ્થિતિ અનુકૂળ નહીં હોય, તો ઈરાની ખેલાડીઓ માટે આ ટુર્નામેન્ટમાં ભાગ લેવો અશક્ય બની શકે છે. જો ઈરાન છેલ્લી ઘડીએ ખસી જાય, તો ફિફાએ તાત્કાલિક અન્ય કોઈ ટીમની પસંદગી કરવી પડશે, જે આધુનિક ફૂટબોલના ઈતિહાસમાં પ્રથમ વખત સત્તાવાર ખસી જવાની ઘટના હશે.
હાલમાં એશિયન ફૂટબોલ કન્ફેડરેશન (AFC) એ જણાવ્યું છે કે તેમને હજુ સુધી ઈરાન તરફથી ખસી જવાની કોઈ લેખિત સૂચના મળી નથી. હવે આખી દુનિયાની નજર FIFA ના નિર્ણય પર છે કે શું તે ઈરાનની માંગણી સ્વીકારીને મેચો મેક્સિકોમાં યોજશે કે કેમ.

(9:43 PM IST)