તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th March 2026
ક્રિકેટના મેદાનમાં શિસ્તનો ભંગ: પાકિસ્તાની બેટર સલમાન અલી આગાની 'બાલિશ' હરકત પર ICCની લાલ આંખ
બાંગ્લાદેશ સામેની વન-ડે મેચમાં રન આઉટ થયા બાદ ગુસ્સામાં હેલ્મેટ અને ગ્લોવ્સ ફંગોળવા બદલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે ફટકાર્યો સખત ઠપકો અને ડિમેરિટ પોઈન્ટ

ઢાકા : પાકિસ્તાની ક્રિકેટર સલમાન અલી આગા માટે બાંગ્લાદેશ પ્રવાસ વિવાદોથી ભરેલો સાબિત થઈ રહ્યો છે. ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી બીજી વનડે મેચમાં પાકિસ્તાનની જીત છતાં સલમાન આગાનું વર્તન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. એક વિચિત્ર રનઆઉટનો શિકાર બન્યા બાદ, આગાએ ખેલદિલી નેવે મૂકીને મેદાન પર જ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો, જે આંતરરાષ્ટ્રીય સ્તરે શિસ્તના ઉલ્લંઘન સમાન ગણાય છે.
આ ઘટના ત્યારે બની જ્યારે સલમાન આગા રનઆઉટ જાહેર થયા બાદ થર્ડ અમ્પાયરના નિર્ણયથી નારાજ દેખાયો હતો. પેવેલિયન પરત ફરતી વખતે તેણે ગુસ્સામાં આવીને પોતાનું હેલ્મેટ અને બેટિંગ ગ્લોવ્સ મેદાન પર પછાડ્યા હતા. ICC એ આ વર્તનને આચારસંહિતાની કલમ 2.2 (ક્રિકેટ સાધનોનો દુરુપયોગ) હેઠળ ગંભીર ગુનો ગણી તેને સત્તાવાર ઠપકો આપ્યો છે અને તેના શિસ્ત રેકોર્ડમાં એક 'ડિમેરિટ પોઈન્ટ' ઉમેરી દીધો છે.
મેચ રેફરી નિયામુર રશીદે સ્પષ્ટ કર્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સાધનોનો અનાદર સહન કરવામાં આવશે નહીં. જોકે આગાનો આવો કોઈ જૂનો ઇતિહાસ નથી, પરંતુ ભવિષ્યમાં જો તે આવી ભૂલનું પુનરાવર્તન કરશે તો તેના પર મેચ પ્રતિબંધ સુદ્ધાં લાગી શકે છે. પાકિસ્તાની ટીમ 128 રને મેચ જીતવામાં સફળ રહી હોવા છતાં, સલમાન આગાની આ હરકતે ટીમની જીતના જશ્ન પર શિસ્તભંગનું ગ્રહણ લગાડ્યું છે.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
