News of Wednesday, 11th March 2026
ટી-૨૦ વર્લ્ડ કપ જીત્યા બાદ સ્ટાર ક્રિકેટર શિવમ દુબેની સાદગી: ફ્લાઈટ હાઉસફુલ હોવાથી પત્ની સાથે વહેલી સવારે ટ્રેનમાં અપર બર્થ પર સુઈને મુંબઈ પહોંચ્યા : ન્યુઝફર્સ્ટ
અમદાવાદમાં ફાઈનલ જીત્યાના ગણતરીના કલાકોમાં જ સંતાનોને મળવાની તાલાવેલીમાં સયાજી એક્સપ્રેસ પકડી, બોરીવલી સ્ટેશને સામાન્ય મુસાફરની જેમ ઉતરીને સૌને ચોંકાવ્યા

અમદાવાદ (ન્યુઝફર્સ્ટ): ભારતીય ક્રિકેટ ટીમે અમદાવાદના આંગણે ટી-૨૦ વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો ત્યારે ચારેતરફ જશ્નનો માહોલ હતો. આ ઐતિહાસિક વિજય બાદ જ્યાં આખી ટીમ ઉજવણીમાં વ્યસ્ત હતી, ત્યારે ટીમના ઓલરાઉન્ડર ખેલાડી શિવમ દુબેએ પોતાની સાદગી અને પારિવારિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્લ્ડ કપ જીત્યા બાદ મુંબઈ જવા માટેની તમામ ફ્લાઈટ્સ હાઉસફુલ હોવા છતાં, શિવમ દુબેએ જરાય ખચકાયા વિના ટ્રેન પ્રવાસ પસંદ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદમાં ફાઈનલ મેચ પૂર્ણ થયાના ગણતરીના કલાકો બાદ, સવારે ૫:૦૦ વાગ્યે શિવમ દુબે, તેમના પત્ની અને એક મિત્ર સાથે અમદાવાદ-મુંબઈ સયાજી એક્સપ્રેસમાં સવાર થયા હતા. કરોડોની કમાણી અને ગ્લોબલ સ્ટાર હોવા છતાં દુબેએ ટ્રેનમાં 'અપર બર્થ' (ઉપરની સીટ) પર સુઈને મુસાફરી કરી હતી. આ પ્રવાસ પાછળનું મુખ્ય કારણ તેમનો પરિવાર પ્રત્યેનો પ્રેમ હતો. મુંબઈમાં ઘરે રહેલા તેમના ચાર વર્ષના પુત્ર અયાન અને બે વર્ષની પુત્રી મેહવિશને મળવા માટે આ દંપતી એટલું આતુર હતું કે તેમણે લક્ઝરી સુવિધાઓની રાહ જોવાને બદલે ટ્રેનમાં જવું યોગ્ય સમજ્યું હતું.
વહેલી સવારે ટ્રેન જ્યારે બોરીવલી સ્ટેશન પર પહોંચી ત્યારે શિવમ દુબે એક સામાન્ય નાગરિકની જેમ ટ્રેનમાંથી નીચે ઉતર્યા હતા. વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ પણ કોઈ પણ જાતના દેખાડા વગર કરવામાં આવેલી આ મુસાફરીની વિગતો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ક્રિકેટ ચાહકો તેમની સાદગીના ભારોભાર વખાણ કરી રહ્યા છે.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
