<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

પંડ્યા પરિવારમાં ભંગાણના સંકેત? હાર્દિક અને કૃણાલ વચ્ચે વધ્યું અંતર, શું મોડેલ માહિકા શર્મા બની રહી છે ભાઈઓ વચ્ચેના ઝઘડાનું કારણ!

T20 વર્લ્ડ કપની જીત છતાં કૃણાલ અને પત્ની પંખુરીનું ભેદી મૌન; સ્ટેડિયમમાં ગેરહાજરી અને સોશિયલ મીડિયા પર હાર્દિકને અવગણતા ચાહકોમાં અનેક તર્ક-વિતર્ક, શું નતાશા સાથેના છૂટાછેડા પછી સમીકરણો બદલાયા?

મુંબઈ : ભારતીય ક્રિકેટ જગતમાં પંડ્યા બ્રધર્સ એટલે કે હાર્દિક અને કૃણાલની જોડી હંમેશા 'જય-વીરુ' જેવી મજબૂત માનવામાં આવતી હતી. વડોદરાની ગલીઓથી લઈને વાનખેડેના મેદાન સુધી બંનેએ હંમેશા એકબીજાનો સાથ આપ્યો છે. પરંતુ, તાજેતરમાં ભારતની ઐતિહાસિક T20 વર્લ્ડ કપ જીત બાદ આ જોડી વચ્ચે અણબનાવ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા પર ચાહકો નોંધી રહ્યા છે કે જે ભાઈ હાર્દિકની નાની સફળતા પર પણ ઉછળી પડતો હતો, તે કૃણાલ અત્યારે સાવ શાંત કેમ છે?
માહિકા શર્માની એન્ટ્રી અને બદલાતા સમીકરણો
અફવાઓનું બજાર ગરમ છે કે હાર્દિક પંડ્યા અને તેની નવી ગર્લફ્રેન્ડ માહિકા શર્માના સંબંધો કૃણાલ પંડ્યા અને તેની પત્ની પંખુરીને પસંદ નથી આવી રહ્યા. 25 વર્ષીય ફેશન મોડેલ માહિકા આખા વર્લ્ડ કપ દરમિયાન હાર્દિક સાથે મુસાફરી કરતી જોવા મળી હતી. એટલું જ નહીં, વાનખેડે સ્ટેડિયમમાં હાર્દિકનો પુત્ર અગસ્ત્ય પણ માહિકા સાથે મેચ જોતો જોવા મળ્યો હતો. અમદાવાદમાં જીત બાદ હાર્દિક અને માહિકાએ મેદાન પર જે રોમેન્ટિક ક્ષણો શેર કરી, તેનાથી જાણે પંડ્યા પરિવારના અન્ય સભ્યોમાં નારાજગી વધી હોય તેવું લાગી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર 'કોલ્ડ વોર'
નેટિઝન્સે ધ્યાન દોર્યું છે કે હાર્દિકની આટલી મોટી સફળતા છતાં કૃણાલ કે પંખુરીએ કોઈ અભિનંદન પોસ્ટ મૂકી નથી. એક યુઝરે 'X' પર લખ્યું કે, "નતાશા સ્ટેન્કોવિકથી છૂટાછેડા લીધા પછી હાર્દિક બદલાઈ ગયો છે. તે હવે માહિકા સાથે પૂજા અને અન્ય કાર્યક્રમોમાં જાય છે, જ્યારે કૃણાલ અને પંખુરી હજુ પણ નતાશાના સંપર્કમાં હોય તેવું લાગે છે." એવી પણ ચર્ચા છે કે હાર્દિકે માહિકા સાથેની સગાઈમાં પોતાના જ ભાઈને આમંત્રણ આપ્યું ન હતું.
શું ખરેખર જોડી તૂટશે?
જોકે, કેટલાક ચાહકો આ વાતોને માત્ર અટકળો ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે પંડ્યા બ્રધર્સનો સંબંધ નાનપણથી જ સંઘર્ષો વચ્ચે ઘડાયો છે, જે આટલી સહેલાઈથી તૂટી શકે નહીં. હાર્દિકે જુલાઈ 2024માં જ નતાશા સાથેના તેના ચાર વર્ષના લગ્નજીવનનો અંત લાવવાની જાહેરાત કરી હતી, ત્યારથી તેનું અંગત જીવન સતત ચર્ચામાં રહ્યું છે. હાલમાં બંને ભાઈઓ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ પંડ્યા પરિવારની શાંતિ અત્યારે અનેક સવાલો ઉભા કરી રહી છે.

(9:07 PM IST)