તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th March 2026
હજુ આગામી ટી૨૦ વર્લ્ડકપ જીતવાનો લક્ષ્ય, નિવૃતિ લેવાનો હાલ કોઇ વિચાર જ નથીઃ સૂર્યા
ભવિષ્યના પ્લાનમાં એલિમ્પિક્સમાં ગોલ્ડ જીતવો છે, મોટી ટૂર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કરવાનું લક્ષ્ય

નવી દિલ્હીઃ કેપ્ટન સૂર્યકુમાર યાદવનું નામ હવે એ ખાસ લિસ્ટમાં સામેલ થઈ ગયું છે જેમણે ભારતને આઈસીસી ટુર્નામેંટ જીતાડી છે. સૂર્યાનું કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન ઘણું દમદાર રહયું હતું જો કે ટુર્નામેન્ટની શરૂઆતમાં એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ૩૫ વર્ષના સૂર્યકુમાર યાદવ આ ટુર્નામેન્ટ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લઈ લેશે ત્યારે તેમણે પોતે આ વાત પરથી પડદો ઉઠાવ્યો છે. ટી૨૦ વર્લ્ડકપ જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવએ પોતાની નિવૃત્તિ અંગે ચાલી રહેલી ચર્ચાઓ પર રમૂજી અંદાજમાં જવાબ આપ્યો. તેણે કહ્યું કે હાલમાં બધું ખૂબ સારું ચાલી રહ્યું છે, તેથી નિવૃત્તિ વિશે વિચારવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમાર યાદવ સાથે ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ હાજર હતા. નિવૃત્તિ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સૂર્યાએ હળવા અંદાજમાં કહ્યું, ‘‘જ્યારે બધું આટલું સરસ ચાલી રહ્યું છે, ત્યારે નિવૃત્તિ વિશે કેમ વિચારવું?'' તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે તેઓ હાલ ક્રિકેટમાંથી દૂર થવાના કોઈ મૂડમાં નથી. તેઓ હજુ પણ ટીમ માટે ઘણું ક્રિકેટ રમવા માંગે છે અને આગળ પણ ભારત માટે મહત્વપૂર્ણ યોગદાન આપવા તૈયાર છે. તેમના આ નિવેદનથી સ્પષ્ટ થયું છે કે ભારતીય ટીમના કેપ્ટન તરીકે તેઓ હજુ લાંબા સમય સુધી મેદાનમાં જોવા મળશે. સૂર્યાએ પોતાના ભવિષ્યના પ્લાન વિશે પણ ખુલાસો કરતાં કહ્યું હવે તેમનું ધ્યાન ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતવા પર કેન્દ્રિત છે. સૂર્યાએ કહ્યું કે આગામી મોટા ટૂર્નામેન્ટમાં ભારત માટે સારું પ્રદર્શન કરવાનું તેમનું લક્ષ્ય છે. તેમની નજર આગામી આઈસીસી મેન્સ ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૮ પર છે. એટલે કહી શકાય કે તેઓ હજુ ઓછામાં ઓછા બે વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું ઇચ્છે છે અને ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપવાની તૈયારીમાં છે.
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
