<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

અમદાવાદમાં આકાશી આતશબાજી: ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ ફાઈનલમાં કિવી બોલરોનો કચ્ચરઘાણ કાઢ્યો: રચાયો વર્લ્ડ રેકોર્ડ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સંજુ સેમસન અને અભિષેક શર્માની જોડીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી માત્ર ૪૪ બોલમાં ટીમની સદી પૂરી કરીને ન્યુઝીલેન્ડના વર્ષો જૂના રેકોર્ડને ધૂળ ચટાડી : પાવરપ્લેમાં ૯૨ રન ફટકારી ભારત વિશ્વ વિજેતા બનવા તરફ મજબૂત ડગ માંડ્યા

અમદાવાદ:  ગુજરાતનું અમદાવાદ શહેર આજે ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે, જ્યાં T20 વર્લ્ડ કપ 2026ની હાઈ-વોલ્ટેજ ફાઈનલમાં ભારતીય ઓપનરોએ મેદાનના ચારેય ખૂણે ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવ ભલે ટોસ હારી ગયો હોય, પરંતુ ન્યુઝીલેન્ડના ફિલ્ડિંગ પસંદ કરવાના નિર્ણયને સંજુ સેમસન અને યુવા બેટર અભિષેક શર્માએ શરૂઆતની ઓવરોમાં જ ખોટો સાબિત કરી દીધો હતો. આ બંને વિસ્ફોટક બેટ્સમેનોએ ગ્રાઉન્ડ પર એવી સુનામી લાવી કે માત્ર ૬ ઓવરના પાવરપ્લેમાં ભારતે ૯૨ રનનો ડુંગર ખડકી દીધો, જે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો પાવરપ્લે સ્કોર છે. સ્ટેડિયમમાં હાજર લાખો પ્રેક્ષકોના શોરબકોર વચ્ચે ભારતીય બેટ્સમેનોએ કિવી બોલરોની લાઈન અને લેન્થ સંપૂર્ણપણે બગાડી નાખી હતી.

મેચનો સૌથી રોમાંચક વળાંક ત્યારે આવ્યો જ્યારે ભારતે માત્ર ૭.૨ ઓવર એટલે કે ૪૪ બોલમાં ૧૦૦ રનનો આંકડો સ્પર્શી લીધો. આ સાથે જ ભારતે નોકઆઉટ મેચોમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો ન્યુઝીલેન્ડનો રેકોર્ડ તોડી પાડ્યો છે. અગાઉ આ જ ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડે ૪૭ બોલમાં ૧૦૦ રન બનાવ્યા હતા, પરંતુ આજે ભારતે તેનાથી પણ વધુ આક્રમક રમત બતાવીને ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું છે. અભિષેક શર્માએ માત્ર ૨૧ બોલમાં ૬ ચોગ્ગા અને ૩ ગગનચુંબી છગ્ગાની મદદથી ૫૨ રન ફટકારીને આક્રમક પાયો નાખ્યો હતો, જ્યારે સંજુ સેમસને પણ બીજી તરફથી જવાબદારીપૂર્વક પણ એટલી જ તેજીથી પોતાની અડધી સદી પૂરી કરી ભારતીય ઇનિંગને મજબૂતી આપી હતી.

ભારતની આ વિસ્ફોટક બેટિંગે ન્યુઝીલેન્ડના ડગઆઉટમાં ચિંતાની લકીરો ખેંચી દીધી છે. અમદાવાદની આ ફાસ્ટ પિચ પર જે રીતે ભારતીય ખેલાડીઓએ 'નીડર ક્રિકેટ' રમી છે, તે જોતા ભારત હવે વર્લ્ડ કપ ટ્રોફીની ખૂબ નજીક જણાતું હોય તેમ લાગે છે. અગાઉ ઈંગ્લેન્ડે ભારત સામે કરેલા ઝડપી રનના રેકોર્ડને પણ ટીમ ઈન્ડિયાએ આજે પછાડી દીધો છે. હવે આટલા વિશાળ લક્ષ્યાંક બાદ ભારતીય બોલરો કેવી રીતે કિવી બેટ્સમેનોને કાબૂમાં રાખે છે તે જોવું રસપ્રદ રહેશે. ભારતની આ 'ગજની' સ્ટાઈલ બેટિંગે સાબિત કરી દીધું છે કે નવી પેઢીની ટીમ ઇન્ડિયા કોઈપણ દબાણ વગર રમવા માટે સક્ષમ છે અને તેમનો એકમાત્ર લક્ષ્ય ફરી એકવાર વિશ્વ વિજેતા બનવાનો છે.

(10:24 PM IST)