<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

T20 વર્લ્ડકપમાં સંજુ સેમસનનો સિક્કો પડ્યો: કરોડોની નેટવર્થ, આલીશાન બંગલો અને લક્ઝરી કાર્સના કાફલાનો માલિક છે આ ‘કેરલ કિંગ’!

ટીમ ઈન્ડિયાના જીતનો હીરો બનતા જ સંજુ સેમસન ઈન્ટરનેટ પર ટ્રેન્ડ થયો; વર્ષે કરે છે કરોડોની કમાણી, જાણો સંઘર્ષથી સફળતા સુધીની તેની રોમાંચક સફર

અમદાવાદ, તા.૦૮: ભારતીય ક્રિકેટ ટીમનો ટેલેન્ટેડ વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે. T20 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરી ભારતને ફાઈનલ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સંજુની કિસ્મત હવે ચમકી ગઈ છે. વર્ષો સુધી ટીમમાં ‘ઈન-આઉટ’ થયા બાદ, આખરે તેણે પોતાની બેટિંગથી ટીકાકારોના મોઢા બંધ કરી દીધા છે. અમદાવાદમાં રમાઈ રહેલા મહાસંગ્રામ વચ્ચે ફેન્સમાં સંજુની પર્સનલ લાઈફ અને તેની સંપત્તિને લઈને ભારે જિજ્ઞાસા જોવા મળી રહી છે.
૮૫ કરોડથી વધુની નેટવર્થ અને રોયલ લાઈફસ્ટાઈલ
વર્ષ ૨૦૨૫-૨૬ના તાજેતરના અહેવાલો મુજબ, સંજુ સેમસનની કુલ નેટવર્થ અંદાજે ૮૫ કરોડ થી ૧૦૦ કરોડ રૂપિયાની વચ્ચે છે. કેરળના તિરુવનંતપુરમમાં તેની પાસે એક અત્યંત આલીશાન બંગલો છે, જેની કિંમત કરોડોમાં અંકાય છે. માત્ર ઘર જ નહીં, પણ સંજુ લક્ઝરી કાર્સનો પણ શોખીન છે. તેના ગેરેજમાં ઓડી (Audi) અને બીએમડબલ્યુ (BMW) જેવી મોંઘીદાટ ગાડીઓનો કાફલો જોવા મળે છે.
IPL અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી અઢળક કમાણી
સંજુ સેમસનની કમાણીનો મુખ્ય સ્ત્રોત આઈપીએલ (IPL) છે. લાંબો સમય રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રહ્યા બાદ, આ સીઝનમાં તે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમતો જોવા મળ્યો છે. બીસીસીઆઈ (BCCI) ના કોન્ટ્રાક્ટ અને આઈપીએલ ફી ઉપરાંત, તે વિવિધ નામાંકિત બ્રાન્ડ્સનું પ્રમોશન કરીને વર્ષે અંદાજે ૨૦ થી ૨૨ કરોડ રૂપિયાની કમાણી કરે છે. તેની રમતની સાથે તેની બ્રાન્ડ વેલ્યુમાં પણ આ વર્લ્ડકપ બાદ જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
ટીમ ઈન્ડિયાનો 'લકી ચાર્મ'
આ વર્લ્ડકપની શરૂઆતમાં સંજુ પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો, પરંતુ અભિષેક શર્માના ખરાબ ફોર્મને કારણે તેને તક મળી અને તેણે તેને બરાબરની ઝડપી લીધી. વેસ્ટ ઈન્ડિઝ સામેની નોકઆઉટ મેચ હોય કે સેમિફાઈનલમાં ફટકારેલી ૮૯ રનની શાનદાર ઈનિંગ, સંજુએ સાબિત કરી દીધું કે તે મોટા મંચનો ખેલાડી છે. આજે જ્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલનો જંગ ખેલાઈ રહ્યો છે, ત્યારે કરોડો ભારતીયોની નજર આ સ્ટાર ખેલાડી પર ટકેલી છે.

(5:13 PM IST)