<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

અમદાવાદમાં ક્રિકેટનો 'મહાકુંભ': રણમેદાનમાં બેટ-બોલની જંગ, રસ્તા પર ભક્તિ અને જુસ્સાનો સંગમ!

ગ્રાઉન્ડ પર ગૂંજશે 'જય હો': હનુમાનદાદાના શરણે ખેલાડીઓ, સ્ટેડિયમ બહાર પોલીસનો લોખંડી પહેરો : 1800 પોલીસ કર્મીઓ તૈનાત

 અમદાવાદ: ક્રિકેટ ભક્તિ અને શક્તિનો અનોખો ત્રિવેણી સંગમ.
આજે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના T20 વર્લ્ડ કપના ફાઈનલ જંગને લઈને સમગ્ર ગુજરાતમાં દિવાળી જેવો માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડિયમની બહાર ઉમટી પડ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે અહીં માત્ર રમતનો રોમાંચ નથી, પણ અતૂટ શ્રદ્ધા પણ જોવા મળી રહી છે. અનેક ચાહકો ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ 'લાલા'ને સાથે રાખીને ભારતની જીત માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.

પોલીસનો અભેદ્ય કિલ્લો: આકાશથી જમીન સુધી બાજ નજર
ફાઈનલ મેચની ગરિમા અને સુરક્ષાને ધ્યાને રાખીને અમદાવાદ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 8 DCP, 14 ACP અને 27 PI સહિત કુલ 1,800થી વધુ પોલીસ જવાનો સ્ટેડિયમની અંદર અને બહાર તૈનાત છે. સુરક્ષા વ્યવસ્થા એટલી ચુસ્ત છે કે 256 સીસીટીવી કેમેરા અને 102 મેટલ ડિટેક્ટર દ્વારા દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા BDDS ની 4 ટીમો અને NDRF ને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

ખેલાડીઓની આસ્થા: હનુમાન દાદાના આશીર્વાદ સાથે મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા
ગઈકાલે ભારતીય ટીમના ખેલાડીઓએ અમદાવાદના સુપ્રસિદ્ધ કષ્ટભંજન દેવ અને હનુમાનજી મંદિરે શીશ ઝુકાવ્યું હતું. વિજયના સંકલ્પ સાથે ખેલાડીઓની આ આસ્થા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બીજી તરફ, ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે 744 ટ્રાફિક જવાનો અને 700 હોમગાર્ડના જવાનો રસ્તા પર ખડેપગે છે. આજે સાંજનો સૂરજ કોના નસીબમાં જીત લખશે, તેના પર આખા વિશ્વની નજર છે.

(2:57 PM IST)