<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

T20 વર્લ્ડ કપ ફાઈનલ પહેલા સંજુ સેમસનને મોટી ચેતવણી: "સાવધાન રહેજો, એ બોલર તમને ફરી 'ડક' પર આઉટ કરી શકે છે", આકાશ ચોપરાએ કિવી પેસરનો ડર બતાવ્યો

મેટ હેનરી અને ફર્ગ્યુસનની ગતિ ટીમ ઈન્ડિયાના ઓપનર્સ માટે બની શકે છે મુસીબત; નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યા સાબિત થશે 'ટ્રમ્પ કાર્ડ', સેમીફાઈનલના હીરો પર રહેશે જીતનો દારોમદાર

અમદાવાદ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલે રમાનારી T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની મહાફાઈનલ પહેલા ક્રિકેટ જગતમાં ગરમાવો આવી ગયો છે. આ ઐતિહાસિક મેચ પૂર્વે પૂર્વ ભારતીય ક્રિકેટર અને જાણીતા વિશ્લેષક આકાશ ચોપરાએ ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓપનર સંજુ સેમસનને એક ખાસ સલાહ અને ચેતવણી આપી છે. ચોપરાએ જણાવ્યું છે કે સંજુએ કિવી ફાસ્ટ બોલર મેટ હેનરી સામે 'આંધળુકિયા' કરવાને બદલે અત્યંત સાવધાનીપૂર્વક બેટિંગ કરવી પડશે.
  આકાશ ચોપરાએ પોતાની યુટ્યુબ ચેનલ પર ભૂતકાળના આંકડા ટાંકીને યાદ અપાવ્યું કે મેટ હેનરીની સ્વિંગ બોલિંગ હંમેશા સંજુ માટે માથાનો દુખાવો બની છે. તેમણે કહ્યું, "વર્લ્ડ કપ પહેલા ગુવાહાટીમાં રમાયેલી શ્રેણીમાં હેનરીએ સંજુને 'ગોલ્ડન ડક' (પહેલા જ બોલે) પર ક્લીન બોલ્ડ કર્યો હતો. હેનરી ફુલ લેન્થ બોલને સ્વિંગ કરવામાં માહિર છે, તેથી સંજુએ શરૂઆતની ઓવરોમાં પોતાનો વિકેટ બચાવવા પર ધ્યાન આપવું જોઈએ." આ ઉપરાંત લોકી ફર્ગ્યુસનની ૧૫૦ કિમીની ગતિ પણ અભિષેક શર્મા અને સંજુ માટે ખતરો બની શકે છે.
  ચોપરાએ ભારતીય બેટ્સમેનોને માનસિક રીતે તૈયાર રહેવા સૂચન કર્યું છે કે અમદાવાદની પિચ પર દર વખતે ૨૫૦ રનનો સ્કોર બનાવવો સરળ નહીં હોય. કિવી બોલરો સામે પહેલા સેટ થવું અને પછી આક્રમક શોટ રમવા એ જ જીતની ચાવી છે. ખાસ કરીને પાવરપ્લેમાં વિકેટ ગુમાવવી ભારતને ભારે પડી શકે છે.
 આકાશ ચોપરાના મતે ફાઈનલનો અસલી જંગ હાર્દિક પંડ્યાના પ્રદર્શન પર ટકેલો છે. હાર્દિક માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હોમ ગ્રાઉન્ડ જેવું છે, જ્યાં તેણે ગાઉ ગુજરાત ટાઇટન્સને આઈપીએલ ચેમ્પિયન બનાવી હતી. આ વર્લ્ડ કપમાં હાર્દિકે અત્યાર સુધી ૧૯૯ રન અને ૮ વિકેટ ઝડપીને શાનદાર ઓલરાઉન્ડ દેખાવ કર્યો છે. સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામેની અંતિમ ઓવરોમાં હાર્દિકની ધારદાર બોલિંગે જ ભારતને ફાઈનલની ટિકિટ અપાવી હતી. હવે જોવાનું એ રહેશે કે સંજુ સેમસન અને અભિષેક શર્માની જોડી કિવી પેસર્સના આક્રમણને કેવી રીતે ખાળે છે અને હાર્દિક પંડ્યા પોતાના 'હોમ ગ્રાઉન્ડ' પર ભારતને વિશ્વ વિજેતા બનાવે છે કે કેમ

(10:57 PM IST)