તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th March 2026
પર્થમાં પિન્ક બોલ સામે ટીમ ઈન્ડિયા લાચાર: એનાબેલ સધરલેન્ડના ઓલરાઉન્ડ 'પાવર' સામે ભારતીય બેટિંગ લાઇન-અપ પત્તાની માફક વિખેરાઈ, હારનો ખતરો મંડરાયો
ઓસ્ટ્રેલિયન સ્ટાર સધરલેન્ડની સદી બાદ ઘાતક બોલિંગે ભારતની કમર તોડી; ૧૦૫ રનમાં ૬ વિકેટ ગુમાવી ભારત હજુ પણ ૨૦ રન પાછળ, સ્મૃતિ અને હરમનપ્રીત ફરી ફ્લોપ

પર્થ: ઓસ્ટ્રેલિયાના પર્થ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની એકમાત્ર ડે-નાઈટ ટેસ્ટમાં યજમાન ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે. એનાબેલ સધરલેન્ડના ઓલરાઉન્ડ પ્રદર્શનના જોરે ઓસ્ટ્રેલિયાએ ભારતને હારની કગાર પર લાવી દીધું છે. સધરલેન્ડની શાનદાર ૧૨૯ રનની ઇનિંગ અને ત્યારબાદ ભારતની બે મહત્વપૂર્ણ વિકેટ ઝડપતા ટીમ ઈન્ડિયા બીજા દાવમાં માત્ર ૧૦૫ રનમાં ૬ વિકેટ ગુમાવીને અત્યંત દયનીય સ્થિતિમાં મુકાઈ ગઈ છે.
સધરલેન્ડ અને પેરીની ઐતિહાસિક ભાગીદારી
મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ ૨૦૧/૪ ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. એલિસ પેરી (૭૬) અને સધરલેન્ડ (૧૨૯) વચ્ચે ૧૨૮ રનની મજબૂત ભાગીદારી થઈ હતી. પેરીએ આ ઇનિંગ દરમિયાન કરેન રોલ્ટનનો રેકોર્ડ તોડીને ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ છે. ભારત તરફથી સયાલી સતઘરેએ ૪ વિકેટ લઈને લડત આપી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયાએ ૩૨૩ રન બનાવીને ૧૨૫ રનની મોટી લીડ મેળવી લીધી હતી.
ભારતીય બેટિંગનો ધબડકો: દિગ્ગજો નિષ્ફળ
લીડનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના શૂન્ય રને પેવેલિયન પરત ફરી હતી. શેફાલી વર્મા (૫), જેમિમા રોડ્રિગ્સ (૪) અને કેપ્ટન હરમનપ્રીત કૌર (૧૧) પણ સધરલેન્ડ અને લ્યુસી હેમિલ્ટનની બોલિંગ સામે ટકી શક્યા નહોતા. ભારતનો સ્કોર એક સમયે ૩૮ રનમાં ૩ વિકેટ અને બાદમાં ૮૨ રનમાં ૬ વિકેટ થઈ ગયો હતો. અનુભવી દીપ્તિ શર્મા પણ માત્ર ૧૩ રન બનાવી આઉટ થઈ હતી.
રક્ષણ માટે પ્રતિકા રાવલનો સંઘર્ષ
ટીમ જ્યારે ઇનિંગ્સ હારના જોખમે હતી, ત્યારે પ્રતિકા રાવલે એક છેડો સાચવી રાખી ૪૩ રન બનાવી અણનમ રહી છે. તેની સાથે સ્નેહ રાણા ક્રીઝ પર છે. ભારત હજુ પણ ઓસ્ટ્રેલિયાની લીડથી ૨૦ રન પાછળ છે. રવિવારે ત્રીજા દિવસે જો ભારતની લોઅર ઓર્ડર બેટિંગ મોટો સ્કોર નહીં બનાવી શકે, તો ઓસ્ટ્રેલિયા આ ટેસ્ટ આસાનીથી જીતી લેશે. લ્યુસી હેમિલ્ટને ૩ અને સધરલેન્ડે ૨ વિકેટ ઝડપીને ભારતની જીતની આશાઓ પર પાણી ફેરવી દીધું છે.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
