<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

બોલિંગનો 'ડોન બ્રેડમેન' છે આપણો જસ્સી! ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે બુમરાહને આપ્યો અત્યાર સુધીનો સૌથી મોટો દરજ્જો, જાણો કોણે કરી આ સરખામણી

T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ પહેલા આકાશ ચોપરાનું મોટું નિવેદન; કહ્યું- "દુનિયામાં ગમે તેટલા બોલરો આવે, પણ બુમરાહ જેવી સાતત્યતા કોઈની પાસે નથી!"

અમદાવાદ, તા.૦૭: T20 વર્લ્ડ કપ ૨૦૨૬ના ખિતાબી જંગમાં ભારત અને ન્યુઝીલેન્ડ આમને-સામને ટકરાવા જઈ રહ્યા છે, ત્યારે સમગ્ર ક્રિકેટ જગતમાં એક જ નામની ગુંજ સંભળાઈ રહી છે - જસપ્રીત બુમરાહ. ભારતીય ફાસ્ટ બોલિંગના આ 'બ્રહ્માસ્ત્ર' વિશે પૂર્વ ભારતીય ઓપનર અને જાણીતા કોમેન્ટેટર આકાશ ચોપરાએ એક એવી વાત કહી છે જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ચોપરાએ બુમરાહને "બોલિંગનો ડોન બ્રેડમેન" ગણાવ્યો છે.
શા માટે બુમરાહ છે 'બોલિંગનો બ્રેડમેન'?
પોતાની યુટ્યુબ ચેનલ પર વિશ્લેષણ કરતા આકાશ ચોપરાએ જણાવ્યું કે, જેમ બેટિંગમાં સર ડોન બ્રેડમેનની તોલે કોઈ આવી શક્યું નથી, તેમ આધુનિક ક્રિકેટમાં બોલિંગમાં બુમરાહનું સ્તર પણ અન્ય કરતા ઘણું ઉપર છે. તેમણે કહ્યું કે, "જ્યારે જોફ્રા આર્ચર જેવા દિગ્ગજ બોલરો ક્યારેક ૪ ઓવરમાં ૬૦ રન લૂંટાવે છે, ત્યારે બુમરાહનો એક પણ દિવસ 'ઓફ ડે' હોતો નથી. તે રન રોકવામાં અને વિકેટ લેવામાં એટલો સાતત્યપૂર્ણ છે કે તેને જોવો એ એક લ્હાવો છે."
ફાઈનલનો રસ્તો બુમરાહે ખોલ્યો
ભારતને ફાઈનલ સુધી પહોંચાડવામાં બુમરાહના છ રનના એ સ્પેલનો ઉલ્લેખ કરતા ચોપરાએ કહ્યું કે, જો તે ઓવર ન હોત તો ભારત આજે ફાઈનલમાં ન હોત. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડના બેટ્સમેનો માટે બુમરાહ સૌથી મોટો પડકાર સાબિત થશે. માત્ર ભારતીય જ નહીં, પરંતુ ન્યુઝીલેન્ડનો કેપ્ટન મિશેલ સેન્ટનર અને એબી ડી વિલિયર્સ પણ માને છે કે બુમરાહ જે રીતે મેચને વાંચે છે, તે તેને વિશ્વનો સૌથી ઘાતક બોલર બનાવે છે.
કોણ હતા સર ડોન બ્રેડમેન?
નવા ચાહકોને જણાવી દઈએ કે સર ડોન બ્રેડમેન ઓસ્ટ્રેલિયાના એવા મહાન બેટ્સમેન હતા જેમના નામે ટેસ્ટ ક્રિકેટમાં ૯૯.૯૪ની અકલ્પનીય સરેરાશ છે. ક્રિકેટ ઇતિહાસમાં શ્રેષ્ઠતાનું માપદંડ એટલે બ્રેડમેન. હવે જ્યારે આકાશ ચોપરાએ બુમરાહને આ લેવલ પર મૂક્યો છે, ત્યારે કરોડો ભારતીયો રવિવારે ફાઈનલમાં 'જસ્સી જેવું કોઈ નહીં' તેવું પ્રદર્શન જોવા આતુર છે.

(9:05 PM IST)