<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

પર્થની પિચ પર ઓસ્ટ્રેલિયન સીમર્સનો કહેર: પિંક બોલ ટેસ્ટના પ્રથમ દિવસે ભારત ૧૯૮માં ઓલઆઉટ, વળતા પ્રહારમાં કાંગારૂઓએ પણ ૩ વિકેટ ગુમાવી

જેમિમા રોડ્રિગ્સની લડાયક અડધી સદી અને કાશ્વી ગૌતમનો ઝમકદાર ડેબ્યુ છતાં ભારતીય બેટિંગ લથડી; ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યુટન્ટ હેમિલ્ટન અને સધરલેન્ડ ચમક્યા, પ્રથમ દિવસના અંતે સ્કોર ૯૬/૩

પર્થ:  પર્થના પ્રખ્યાત WACA ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી એકમાત્ર ડે-નાઈટ પિંક બોલ ટેસ્ટના પ્રથમ દિવસે રમતનો રોમાંચ ચરમસીમાએ જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું અને પર્થની તેજ ગતિ ધરાવતી પિચનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. એલિસા હીલીની આ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હોવાથી ઓસ્ટ્રેલિયન બોલરોએ તેને યાદગાર બનાવવાના ઈરાદાથી ભારતીય બેટ્સમેનોને ૧૯૮ રનમાં જ પેવેલિયન ભેગા કરી દીધા હતા.

ભારત તરફથી સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના માત્ર ૪ રને આઉટ થતા ભારત દબાણમાં આવી ગયું હતું. જોકે, શેફાલી વર્માએ ૩૫ રનની આક્રમક રમત બતાવી હતી. મધ્યમ ક્રમમાં જેમિમા રોડ્રિગ્સે એક છેડો સાચવી રાખી ૫૨ રનની શાનદાર ઇનિંગ રમી હતી. અંતિમ ઓવરોમાં ડેબ્યુ કરી રહેલી કાશ્વી ગૌતમે અણનમ ૩૪ રન ફટકારી ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી એનાબેલ સધરલેન્ડે ૪ અને ૧૯ વર્ષીય લ્યુસી હેમિલ્ટને ૩ વિકેટ ઝડપી હતી.

ભારતીય પેસર્સનો જડબાતોડ જવાબ

૧૯૮ રનનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમને ભારતીય યુવા પેસ ત્રિપુટીએ હંફાવી દીધી હતી. ડેબ્યુ કરનાર સયાલી સતઘરેએ કાંગારૂ કેપ્ટન એલિસા હીલી સહિત ૨ મહત્વની વિકેટ ઝડપી ભારતને મેચમાં પરત લાવ્યું હતું. ૧૧ ઓવરમાં માત્ર ૨૮ રન આપી ૧ વિકેટ લેનાર ક્રાંતિ ગૌડે યજમાન ટીમના બેટ્સમેનોને રન બનાવવા માટે તરસાવ્યા હતા.

દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ ૩ વિકેટે ૯૬ રન બનાવી લીધા છે. હાલમાં એલિસ પેરી ૪૩ રને અણનમ રહીને ક્રીઝ પર છે. ઓસ્ટ્રેલિયા હજુ પણ ભારત કરતા ૧૦૨ રન પાછળ છે. બીજા દિવસે જો ભારતીય બોલરો વહેલી વિકેટ ઝડપે તો આ મેચમાં રોમાંચક વળાંક આવી શકે તેમ છે.

 

સંક્ષિપ્ત સ્કોર:

  • ભારત (પ્રથમ ઇનિંગ): ૧૯૮/૧૦ (જેમિમા રોડ્રિગ્સ ૫૨, શેફાલી વર્મા ૩૫, કાશ્વી ગૌતમ ૩૪*; એનાબેલ સધરલેન્ડ ૪/૪૬, લ્યુસી હેમિલ્ટન ૩/૩૧)
  • ઓસ્ટ્રેલિયા (પ્રથમ ઇનિંગ): ૯૬/૩ (એલિસ પેરી ૪૩*; સયાલી સતઘરે ૨/૨૪, ક્રાંતિ ગૌડ ૧/૨૮)

(7:41 PM IST)