તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th March 2026
અક્ષર પટેલ બનશે ભારતીય ક્રિકેટના આગામી 'લેજન્ડ': સુનીલ ગાવસ્કરે ઓલરાઉન્ડરના કર્યા મુક્ત કંઠે વખાણ, કહ્યું- "જાડેજાની ખોટ પુરી કરી દીધી"
ફિલ્ડિંગમાં ચિત્તા જેવી સ્ફૂર્તિ અને ગજબની ક્રિકેટિંગ સમજ: ઇંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં અક્ષરના જાદુએ ગાવસ્કરનું દિલ જીત્યું; બુમરાહને ગણાવ્યો 'સદીનો શ્રેષ્ઠ બોલર'

રાજકોટ: તા.૦૬ ભારતીય ક્રિકેટના 'લિટલ માસ્ટર' સુનીલ ગાવસ્કર હાલમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલના પ્રદર્શનથી અત્યંત પ્રભાવિત થયા છે. ગાવસ્કરનું માનવું છે કે અક્ષર પટેલ જે રીતે રમતની ત્રણેય પાંખ એટલે કે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં નિખાર લાવી રહ્યો છે, તે જોતા તે આવનારા સમયમાં ભારતના મહાન ખેલાડીઓની યાદીમાં સ્થાન મેળવવા તરફ મક્કમ ડગલે આગળ વધી રહ્યો છે. ખાસ કરીને ઇંગ્લેન્ડ સામેની T20 વર્લ્ડ કપ સેમીફાઈનલમાં અક્ષરે જે રીતે ફિલ્ડિંગમાં જાદુ બતાવ્યો, તેણે મેચનો પાસો પલટી નાખ્યો હતો.
ગાવસ્કરે અક્ષર પટેલની ફિલ્ડિંગના વખાણ કરતા જણાવ્યું હતું કે, હેરી બ્રુકનો જે કેચ અક્ષરે પકડ્યો તે અવિશ્વસનીય હતો. અક્ષર કવર પોઝિશનથી ૨૪ મીટર પાછળ દોડ્યો અને બોલ પરથી નજર હટાવ્યા વિના સંતુલન જાળવીને શાનદાર કેચ ઝડપ્યો. આ ઉપરાંત, વિલ જેક્સને આઉટ કરવામાં અક્ષરે જે ચતુરાઈ બતાવી તે તેની રમત પ્રત્યેની સમજ દર્શાવે છે. બાઉન્ડ્રી લાઇન પર બોલ પકડીને સંતુલન ગુમાવતા પહેલા જ તેણે જે રીતે બોલ શિવમ દુબે તરફ પાસ કર્યો, તે જોવું એક લ્હાવો હતો. ગાવસ્કરના મતે, ટોચના સ્તરે આવી હાજરબુદ્ધિ જ એક ખેલાડીને 'મહાન' બનાવે છે.
રવિન્દ્ર જાડેજાની નિવૃત્તિ બાદ ટીમમાં ઓલરાઉન્ડરની જે જગ્યા ખાલી પડી હતી, તેને અક્ષર પટેલે ખૂબ જ સારી રીતે ભરી દીધી હોવાનું ગાવસ્કરે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, "જાડેજા બાદ અક્ષર એક શક્તિશાળી વિકલ્પ તરીકે ઉભરી આવ્યો છે. તેની લાઇન, લેન્થ અને બોલિંગની ગતિમાં સતત સુધારો થઈ રહ્યો છે." આ સાથે જ ગાવસ્કરે જસપ્રીત બુમરાહના પણ વખાણ કરતા તેને 'સદીમાં એક વાર જન્મતા બોલર' તરીકે ઓળખાવ્યો હતો. અક્ષર પટેલનું આ ફોર્મ ભારતીય ક્રિકેટ માટે આવનારા મોટા પડકારોમાં જીતની ગેરંટી સમાન સાબિત થઈ શકે છે.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
