News of Wednesday, 4th March 2026
બર્મિંગહામમાં ભારતીય ‘થન્ડર’નો ગડગડાટ: સાત્વિક-ચિરાગની જોડી ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં મલેશિયન પડકાર ઝીલવા સજ્જ, આજે હાઈ-વોલ્ટેજ મુકાબલો
ઈન્ડિયા ઓપનની હારનો બદલો લેવા મેદાને ઉતરશે સ્ટાર શટલર્સ; આયુષ શેટ્ટી અને રોહન-રૂથવિકાની જોડી પર પણ રહેશે દેશની નજર, બીજા દિવસે ભારતીય ખેલાડીઓ રચશે ઇતિહાસ

બર્મિંગહામ: ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ ૨૦26ના બીજા દિવસે આજે ભારતીય ચાહકોના દિલના ધબકારા વધી જવાના છે. વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની સ્ટાર મેન્સ ડબલ્સ જોડી, સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી આજે પોતાના અભિયાનનો શાનદાર પ્રારંભ કરશે. આ ચોથા ક્રમાંકિત જોડીનો સામનો મલેશિયાના ઉભરતા ખેલાડીઓ કાંગ ખાઈ ઝિંગ અને એરોન તાઈ સામે થશે.
બાઉન્સ બેક કરવાનો સુવર્ણ અવસર
જાન્યુઆરીમાં રમાયેલી ઈન્ડિયા ઓપનમાં સાત્વિક અને ચિરાગને વહેલી હારનો સામનો કરવો પડ્યો હતો, જેનાથી તેમના પ્રશંસકો થોડા નિરાશ થયા હતા. જોકે, બર્મિંગહામમાં આ જોડી ફરીથી ફોર્મમાં આવીને વિરોધીઓને ધૂળ ચટાડવા માટે સખત પ્રેક્ટિસ કરી રહી છે. તેમની સ્મેશ અને નેટ પ્લેની જુગલબંધી જોવા માટે આખું વિશ્વ આતુર છે.
અન્ય ભારતીય ખેલાડીઓ પણ મેદાને
આજે માત્ર સાત્વિક-ચિરાગ જ નહીં, પરંતુ મેન્સ સિંગલ્સમાં ભારતનો યુવા ખેલાડી આયુષ શેટ્ટી પણ પોતાની પ્રતિભા બતાવશે. આ ઉપરાંત, મિક્સ્ડ ડબલ્સમાં રોહન કપૂર અને રૂથવિકા ગડ્ડેની જોડી પણ આજે એક્શનમાં જોવા મળશે. ગઈકાલે લક્ષ્ય સેને વિશ્વના પ્રથમ નંબરના ખેલાડીને હરાવીને જે જોશ ભર્યો છે, તેને જાળવી રાખવા આ તમામ ખેલાડીઓ મક્કમ છે.
શા માટે મહત્વની છે આ ટુર્નામેન્ટ?
ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપને બેડમિન્ટનનું ‘વિમ્બલ્ડન’ માનવામાં આવે છે. અહીં જીત મેળવવી એ કોઈપણ ખેલાડી માટે સપના સમાન હોય છે. સાત્વિક અને ચિરાગ જે પ્રકારના લયમાં છે, તે જોતા ભારતને આ વખતે મેડલની પ્રબળ આશા છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો વચ્ચે રમતગમતના આ સમાચાર ભારતીય ચાહકો માટે ખુશીની લહેર લઈને આવ્યા છે.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
