તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૪ સોમવાર
News of Wednesday, 4th March 2026
ICC T20 રેન્કિંગમાં મોટો ઉલટફેર: અભિષેક શર્માની બાદશાહતને પાકિસ્તાની બેટ્સમેનનો પડકાર, હાર્દિક પંડ્યા અને ઈશાન કિશનની રેન્કિંગમાં લાંબી છલાંગ
નંબર-૧ બેટ્સમેન અભિષેક અને સાહિબજાદા ફરહાન વચ્ચે જંગ તેજ; બોલિંગમાં વરુણ ચક્રવર્તીનો દબદબો યથાવત પણ રાશિદ ખાન પાછળ જ છે

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલી નવીનતમ T20I રેન્કિંગમાં ભારતીય યુવા ખેલાડીઓનો બોલબાલા જોવા મળી રહી છે, પરંતુ પાકિસ્તાનના ખેલાડીઓ તેમને જોરદાર ટક્કર આપી રહ્યા છે. ખાસ કરીને બેટિંગમાં ભારતની રન-મશીન ગણાતા અભિષેક શર્મા અને પાકિસ્તાનના ઓપનર સાહિબજાદા ફરહાન વચ્ચે નંબર-૧ ના સ્થાન માટે કાંટાની ટક્કર શરૂ થઈ ગઈ છે.
અભિષેકની ખુરશી જોખમમાં?
ભારતના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા ૮૭૪ રેટિંગ પોઈન્ટ સાથે વિશ્વના નંબર-૧ T20 બેટ્સમેન તરીકે યથાવત છે. જોકે, પાકિસ્તાનનો સાહિબજાદા ફરહાન હવે તેની ખૂબ નજીક પહોંચી ગયો છે. ફરહાન ૮૪૮ પોઈન્ટ સાથે બીજા સ્થાને આવી ગયો છે. હવે બંને વચ્ચે માત્ર ૨૬ પોઈન્ટનું જ અંતર બાકી છે. ફરહાન આ વર્લ્ડ કપમાં ૭ મેચમાં ૩૮૩ રન બનાવીને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો છે, જ્યારે અભિષેક ઝિમ્બાબ્વે સામેની ફિફ્ટી બાદ ફરી લય મેળવવા મથામણ કરી રહ્યો છે.
ઈશાન કિશન અને હાર્દિકનો રાઇઝ
ભારતીય ફેન્સ માટે સારા સમાચાર એ છે કે ઈશાન કિશન ચોથા સ્થાને અને તિલક વર્મા છઠ્ઠા સ્થાને પહોંચી ગયા છે. જોકે, કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે આ અઠવાડિયું સારું રહ્યું નથી, તે એક સ્થાન નીચે સરકીને સાતમા ક્રમે આવી ગયો છે. ઓલરાઉન્ડરોની યાદીમાં હાર્દિક પંડ્યાએ એક સ્થાનનો ફાયદો મેળવીને બીજા સ્થાને કબજો કર્યો છે. હવે તેની આગળ માત્ર ઝિમ્બાબ્વેનો સિકંદર રઝા છે. હાર્દિક જે રીતે પ્રદર્શન કરી રહ્યો છે તે જોતા તે જલ્દી જ નંબર-૧ ઓલરાઉન્ડર બની શકે છે.
બોલિંગમાં વરુણ ચક્રવર્તીની સર્વોચ્ચતા
બોલરોની વાત કરીએ તો, ભારતીય મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી ૭૭૧ પોઈન્ટ સાથે દુનિયાનો નંબર-૧ બોલર છે. અફઘાનિસ્તાનનો રાશિદ ખાન ૭૫૩ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આ સિવાય જસપ્રીત બુમરાહ (૭મો ક્રમ) અને અર્શદીપ સિંહ (૧૩મો ક્રમ) પણ રેન્કિંગમાં ઉપર ચઢ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સેમિફાઇનલ મેચ આ રેન્કિંગમાં હજુ પણ મોટા ફેરફારો લાવી શકે છે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
