<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

IND vs ENG સેમિફાઇનલ: શું 5 નહીં પણ 6 માર્ચે રમાશે મેચ?

વાનખેડેમાં ભારત-ઇંગ્લેન્ડ ટક્કર પર સંકટ? જો વરસાદ ધોઈ નાખે મેચ તો કોણ જશે ફાઇનલમાં? આ રહ્યો ICCનો પ્લાન-B

મુંબઈ:
T20 વર્લ્ડ કપ 2026 હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ગયો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત અને શક્તિશાળી ઇંગ્લેન્ડ વચ્ચે 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બીજી સેમિફાઇનલ રમાવાની છે. જોકે, ક્રિકેટ ચાહકોમાં ચર્ચા છે કે શું આ મેચ 5 માર્ચના બદલે 6 માર્ચે રમાશે? આ અંગે ICCના નિયમો અને લેટેસ્ટ અપડેટ સામે આવ્યા છે.

શું છે 6 માર્ચનું ગણિત?

ICCના શિડ્યુલ મુજબ, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનો મુકાબલો 5 માર્ચ, ગુરુવારે સાંજે 7:00 વાગ્યે જ નિર્ધારિત છે. પરંતુ, જો તે દિવસે વરસાદના કારણે મેચ રમાઈ શકે તેમ ન હોય, તો ICCએ 6 માર્ચને 'રિઝર્વ ડે' તરીકે રાખ્યો છે. એટલે કે જો 5 માર્ચે મેચ ધોવાઈ જાય, તો જ તે 6 માર્ચના રોજ રમાડવામાં આવશે.

જો વરસાદ પડે તો શું થશે?

 * વધારાનો સમય: મેચના દિવસે જ અમ્પાયરો પાસે વધારાની 90 મિનિટનો સમય હશે જેથી ઓછામાં ઓછી 5-5 ઓવરની મેચ કરાવી શકાય.

 * રિઝર્વ ડેનો ઉપયોગ: જો 5 માર્ચે રમત શક્ય ન બને અથવા અધૂરી રહે, તો તેને 6 માર્ચે ત્યાંથી જ આગળ વધારવામાં આવશે.
 * મેચ રદ થાય તો ભારતને ફટકો: જો કુદરત રૂઠે અને બંને દિવસે રમત શક્ય ન બને, તો ICCના નિયમ મુજબ સુપર-8માં જે ટીમનો રેકોર્ડ સારો હશે તે ફાઇનલમાં જશે. આ સંજોગોમાં ઇંગ્લેન્ડ (જેણે સુપર-8ની ત્રણેય મેચ જીતી છે) ફાઇનલમાં પહોંચશે અને ભારત (જે દક્ષિણ આફ્રિકા સામે એક મેચ હાર્યું હતું) ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ શકે છે.

ભારતીય ટીમની તૈયારીઓ

સેમિફાઇનલ પૂર્વે ભારતીય ટીમે વાનખેડેમાં જોરશોરથી પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. જોકે, મંગળવારે ચંદ્રગ્રહણ હોવાને કારણે ગૌતમ ગંભીરના માર્ગદર્શન હેઠળ ટીમે પ્રેક્ટિસના સમયમાં ફેરફાર કર્યો હતો અને અશુભ સમય ટાળવા માટે મોડી સાંજે નેટ્સમાં પરસેવો પાડ્યો હતો.

(3:27 PM IST)