તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th March 2026
મેદાનમાં જેમના આંગળી ચીંધવાથી બેટ્સમેનો પેવેલિયન ભેગા થતા, એ અમ્પાયર હવે હાથમાં બંદૂક લઈને 'બેડમેન' બન્યા!
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને IPLમાં વર્ષો સુધી અમ્પાયરિંગ કરનાર અનિલ ચૌધરી હવે ક્રિકેટના મેદાનને અલવિદા કહીને ગ્લેમરની દુનિયામાં 'ગોલી' ચલાવતા જોવા મળી રહ્યા છે

નવી દિલ્હી: ક્રિકેટના મેદાન પર સફેદ કોટ પહેરીને કડક શિસ્ત અને નિષ્પક્ષ નિર્ણયો આપનારા ભારતીય અમ્પાયર અનિલ ચૌધરીનો એક એવો અવતાર સામે આવ્યો છે જેને જોઈને ચાહકોની આંખો ફાટી ગઈ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને IPLમાં વર્ષો સુધી અમ્પાયરિંગ કરનાર અનિલ ચૌધરી હવે ક્રિકેટના મેદાનને અલવિદા કહીને ગ્લેમરની દુનિયામાં 'ગોલી' ચલાવતા જોવા મળી રહ્યા છે.
'ગોલી તો ચલેગી' : અમ્પાયરનો રફ એન્ડ ટફ લુક
તાજેતરમાં જ રિલીઝ થયેલા હરિયાણવી મ્યુઝિક વીડિયો "ગોલી તો ચલેગી" માં અનિલ ચૌધરી કોઈ પ્રોફેશનલ બોલિવૂડ વિલન જેવા દેખાઈ રહ્યા છે. કાળું ચામડાનું જેકેટ, હાથમાં બંદૂક અને મોંમાં સિગાર - 80ના દાયકાના ફિલ્મી ખલનાયકોની યાદ અપાવતો તેમનો આ 'બેડમેન' લુક સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થયો છે. વીડિયોમાં તે છોકરીઓથી ઘેરાયેલા જોવા મળે છે, જે જોઈને લોકો કહી રહ્યા છે કે, "અમ્પાયર સાહેબનો તો સ્વેગ જ અલગ છે!"
60ની ઉંમરે નવી ઈનિંગની શરૂઆત
માર્ચ 2025માં 60 વર્ષની વયે અમ્પાયરિંગમાંથી નિવૃત્તિ લીધા બાદ અનિલ ચૌધરીએ આ નવો રસ્તો પસંદ કર્યો છે. રણજી ટ્રોફી 2025ની ફાઈનલ તેમની છેલ્લી ઓફિશિયલ મેચ હતી. આ ફેરફાર વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે:
> "કેમેરાનો મને ક્યારેય ડર લાગ્યો નથી. હું વર્ષોથી હરિયાણવીમાં કોમેન્ટ્રી કરતો આવ્યો છું, એટલે કેમેરા સામે આવવું મારા માટે નવો પણ મનોરંજક અનુભવ હતો. નિવૃત્તિ પછી જીવનમાં નવા પ્રયોગો કરવા જોઈએ."
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
