News of Tuesday, 3rd March 2026
IPL 2026 નો શંખનાદ: બે તબક્કામાં રમાશે ટૂર્નામેન્ટ: ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના ગઢમાં જામશે પહેલો જંગ
ચૂંટણીના માહોલ વચ્ચે ક્રિકેટનો ફિવર: 28 માર્ચથી આઈપીએલનો પ્રારંભ અને 31 મેના રોજ ગ્રાન્ડ ફિનાલે : ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે RCB ની 5 હોમ મેચ અને ફાઈનલ : 7 માર્ચ સુધીમાં પ્રથમ તબક્કાનું શેડ્યૂલ જાહેર કરશે BCCI

બેંગલુરુ: ભારતનો સૌથી મોટો રમત ઉત્સવ, ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026, હવે તેની 19મી સીઝન માટે સજ્જ છે. આ વખતે ટૂર્નામેન્ટ બે અલગ-અલગ તબક્કામાં રમાશે, જેનો મુખ્ય હેતુ રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ સાથે તાલમેલ બેસાડવાનો છે. IPL ગવર્નિંગ કાઉન્સિલે સોમવારે યોજાયેલી મહત્વની બેઠકમાં પ્રથમ તબક્કાના શેડ્યૂલને મંજૂરી આપી દીધી છે, જે આગામી 6 કે 7 માર્ચ સુધીમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. સૌથી રોમાંચક વાત એ છે કે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ના ઘરઆંગણે એટલે કે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ રમાવાની પ્રબળ શક્યતા છે.
ટૂર્નામેન્ટનું આયોજન 28 કે 29 માર્ચથી શરૂ થઈને 31 મે સુધી ચાલશે. કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશને પુષ્ટિ કરી છે કે બેંગલુરુ માત્ર RCB ની 5 હોમ મેચો જ નહીં, પરંતુ પ્લેઓફ અને ભવ્ય ફાઈનલનું પણ આયોજન કરશે. પશ્ચિમ બંગાળ, આસામ અને તમિલનાડુની ચૂંટણીઓને કારણે બીજા તબક્કાનું શેડ્યૂલ હાલ મોકૂફ રાખવામાં આવ્યું છે. પ્રથમ તબક્કો 13 થી 14 દિવસ સુધી ચાલશે, જેમાં હજુ RCB ના પ્રથમ પ્રતિસ્પર્ધીના નામ પર સસ્પેન્સ અકબંધ છે. BCCI એ સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ જ સમગ્ર ટુર્નામેન્ટના સ્થળ અને તારીખ નક્કી કરવામાં આવશે.
તૈયારીઓની વાત કરીએ તો, BCCI ના કાર્યકારી CEO હેમાંગ અમીને ફ્રેન્ચાઇઝીઓને પ્રેક્ટિસ સેશનની માર્ગદર્શિકા અને વિદેશી ખેલાડીઓના NOC અંગે સૂચનાઓ મોકલી દીધી છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના સ્ટાર ખેલાડીઓની ઉપલબ્ધતા અંગેના દસ્તાવેજો પણ ટૂંક સમયમાં ક્લિયર થઈ જશે. આવતા અઠવાડિયે તમામ કેપ્ટનોની બેઠક યોજાવાની છે, જે બાદ IPL 2026 નો સત્તાવાર લોગો અને થીમ લોન્ચ કરવામાં આવશે. વિદેશી ખેલાડીઓના આગમન અને પ્રેક્ટિસ કેમ્પ શરૂ થવાથી અત્યારથી જ ક્રિકેટ ચાહકોમાં સીઝન 19 ને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
