<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

દક્ષિણ આફ્રિકાના મેદાન પર પાકિસ્તાની નારી શક્તિનો દબદબો: સદાફ શમાસની તોફાની બેટિંગ અને ફાતિમા સનાના ઓલરાઉન્ડ દેખાવથી આફ્રિકાનો સફાયો!

ડરબનમાં પાકિસ્તાને લીધો શ્રેણી હારનો બદલો: સદાફના 97 અને કેપ્ટન સનાની ફિફ્ટી બાદ બોલરોએ મચાવી તબાહી; દક્ષિણ આફ્રિકાની ટીમ 187 રનમાં ઓલઆઉટ, પાકિસ્તાનનો 119 રનથી ભવ્ય વિજય

ડરબન: પાકિસ્તાની મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાના પ્રવાસનો અંત એક યાદગાર અને ધમાકેદાર વિજય સાથે કર્યો છે. ડરબનમાં રમાયેલી છેલ્લી વન-ડે મેચમાં પાકિસ્તાને યજમાન દક્ષિણ આફ્રિકાને ૧૧૯ રનના વિશાળ અંતરથી હરાવીને પોતાની તાકાતનો પરચો આપ્યો છે. જોકે પાકિસ્તાને શ્રેણી ગુમાવી દીધી છે, પરંતુ આ જીત સાથે પ્રવાસી ટીમે આત્મવિશ્વાસભેર વિદાય લીધી છે.
સદાફ શમાસની સદી ચૂકી પણ દિલ જીત્યા
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆત શાનદાર રહી હતી. સ્ટાર બેટર સદાફ શમાસે મેદાનની ચારેબાજુ આક્રમક શોટ્સ ફટકારીને આફ્રિકન બોલરોને હંફાવી દીધા હતા. સદાફે માત્ર ૮૨ બોલમાં ૯૭ રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી, જોકે તે માત્ર ૩ રન માટે પોતાની સદી ચૂકી ગઈ હતી. તેણે સિદ્રા અમીન (૪૧ રન) સાથે બીજી વિકેટ માટે ૧૩૦ રનની મજબૂત ભાગીદારી નોંધાવી હતી.
કેપ્ટન ફાતિમા સનાનો 'ફિનિશિંગ ટચ'
મધ્યમ ક્રમમાં કેટલીક ઝડપી વિકેટો પડ્યા બાદ સ્કોર ૨૧૬/૫ થઈ ગયો હતો, પરંતુ કેપ્ટન ફાતિમા સનાએ ડેથ ઓવર્સમાં બાજી સંભાળી હતી. સનાએ માત્ર ૪૧ બોલમાં ૬૦ રન ફટકાર્યા હતા, જેમાં ૫ ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થતો હતો. તેના આ પાવર-હિટિંગને કારણે પાકિસ્તાને ૫૦ ઓવરમાં ૩૦૬/૮નો મજબૂત સ્કોર બનાવ્યો હતો.
બોલરોનો કહેર: આફ્રિકન બેટર્સ પત્તાના મહેલની જેમ ધરાશાયી
૩૦૭ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ફાતિમા સનાએ બોલિંગમાં પણ કમાલ કરતા લૌરા વોલ્વાર્ડ અને સુન લુસ જેવી દિગ્ગજ બેટર્સને સસ્તામાં પેવેલિયન ભેગી કરી હતી. એક સમયે આફ્રિકાનો સ્કોર માત્ર ૭ રનમાં ૩ વિકેટ થઈ ગયો હતો. ફેય ટનીક્લિફ અને એનીરી ડર્કસેને (૫૪ રન) લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સાદિયા ઇકબાલે (૩-૪૧) લોઅર ઓર્ડરને વેરવિખેર કરી નાખ્યો હતો. સમગ્ર આફ્રિકન ટીમ ૧૮૭ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
સંક્ષિપ્ત સ્કોર:
•    પાકિસ્તાન: ૩૦૬/૮ (૫૦ ઓવર) - સદાફ શમાસ ૯૭, ફાતિમા સના ૬૦.
•    દક્ષિણ આફ્રિકા: ૧૮૭ (૩૬.૨ ઓવર) - એનેરી ડર્કસેન ૫૪, સાદિયા ઇકબાલ ૩/૪૧.
•    પરિણામ: પાકિસ્તાન ૧૧૯ રનથી વિજેતા.

(7:20 PM IST)