<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

T20 વર્લ્ડ કપ પર યુદ્ધના વાદળો: ઈરાન-ઈઝરાયેલ જંગને પગલે ICC હરકતમાં, ખેલાડીઓ અને ફેન્સની સુરક્ષા માટે તૈયાર કરાયો 'પ્લાન-B'

દુબઈ એરપોર્ટ ઠપ્પ થતા ICCએ બનાવી કટોકટી યોજના: ખેલાડીઓને સુરક્ષિત ઘરે પહોંચાડવા વૈકલ્પિક રૂટની શોધ શરૂ, પ્રસારણ ટીમો અને સ્ટાફ માટે લોજિસ્ટિક્સ એલર્ટ

દુબઈ: ભારત અને શ્રીલંકાના મેદાન પર રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2026 ના રોમાંચ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલા ભીષણ યુદ્ધની અસર હવે ક્રિકેટના મહાકુંભ પર પણ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ પરિસ્થિતિની ગંભીરતાને જોતા તાત્કાલિક અસરથી 'કટોકટી યોજના' સક્રિય કરી દીધી છે, જેથી ટુર્નામેન્ટમાં સામેલ ખેલાડીઓ અને સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

  જોકે, મેચોના આયોજન પર હજુ કોઈ સીધી અસર પડી નથી, પરંતુ સૌથી મોટી સમસ્યા 'ટ્રાન્ઝિટ'ની ઉભી થઈ છે. દુબઈ (DXB) એરપોર્ટ વિશ્વનું મુખ્ય હબ છે અને મોટાભાગની ટીમો, મેચ ઓફિશિયલ્સ અને બ્રોડકાસ્ટિંગ સ્ટાફ ભારત-શ્રીલંકા આવવા-જવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. દુબઈમાં ફ્લાઈટ્સ રદ થતા અને એરસ્પેસ બંધ થતા ICCની ચિંતા વધી છે. ICCના પ્રવક્તાએ જણાવ્યું છે કે, "અમારી પ્રાથમિકતા દરેક વ્યક્તિની સુરક્ષા છે. અમે ચોવીસ કલાક કામ કરી રહ્યા છીએ જેથી દરેક હિસ્સેદાર કોઈપણ વિક્ષેપ વગર સુરક્ષિત ઘરે પહોંચી શકે."
 ICC એ હવે દુબઈને બદલે યુરોપ, દક્ષિણ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાના અન્ય એરપોર્ટ દ્વારા કનેક્ટિંગ ફ્લાઈટ્સના રૂટ શોધવાનું શરૂ કર્યું છે. આ માટે મુખ્ય આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ સાથે સીધી વાતચીત ચાલી રહી છે. જે પ્રશંસકો અત્યારે વર્લ્ડ કપની મેચો જોવા માટે મુસાફરી કરી રહ્યા છે, તેમને પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતા પહેલા તમામ ટ્રાવેલ એડવાઈઝરી તપાસી લે.
ICC દ્વારા એક વિશેષ 'ટ્રાવેલ સપોર્ટ ડેસ્ક' પણ શરૂ કરવામાં આવ્યો છે. સુરક્ષા સલાહકારો સતત સંબંધિત દેશોના સત્તાવાળાઓ સાથે સંપર્કમાં છે. વર્લ્ડ કપ 2026 ના સફળ સમાપન માટે ICC તમામ સંભવિત પગલાં ભરી રહી છે. ક્રિકેટ ચાહકો અત્યારે પ્રાર્થના કરી રહ્યા છે કે મેદાન પરના ચોગ્ગા-છગ્ગાના રોમાંચ વચ્ચે આ સરહદી જંગ શાંત થાય, જેથી રમત અને ખેલાડીઓ બંને સુરક્ષિત રહે.

(12:50 AM IST)