<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

IPL 2026: વર્લ્ડ કપ પૂરો થતા જ જામશે ક્રિકેટનો જંગ: BCCI એ અચાનક બદલી ઓપનિંગ ડેટ!

T20 વર્લ્ડ કપના ફાઈનલના ગણતરીના દિવસો બાદ જ શરૂ થશે 19મી સીઝન : 26 ને બદલે હવે 28 માર્ચથી ખેલાશે મહામુકાબલો

મુંબઈ:  વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ અત્યારે T20 વર્લ્ડ કપ 2026 ના ફીવરમાં ડૂબેલા છે, જેની ફાઈનલ 8 માર્ચે રમાવાની છે. પરંતુ અસલી રોમાંચ તો વર્લ્ડ કપના સમાપન બાદ શરૂ થશે, કારણ કે IPL ની 19મી સીઝન માટેના નગારા વાગી ચૂક્યા છે. BCCI એ અચાનક એક મોટો નિર્ણય લેતા ટુર્નામેન્ટની શરૂઆતની તારીખમાં ફેરફાર કર્યો છે. અગાઉ હરાજી દરમિયાન જાહેર કરાયેલી 26 માર્ચની તારીખને બદલે હવે IPL 2026 નો પ્રારંભ 28 માર્ચથી થશે. જોકે, ક્રિકેટ ચાહકો માટે રાહતના સમાચાર એ છે કે ફાઈનલ મેચ પૂર્વ નિર્ધારિત તારીખ મુજબ 31 મે ના રોજ જ રમાશે. આવતા અઠવાડિયે મળનારી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ નવા શેડ્યૂલ પર આખરી મહોર મારવામાં આવશે.

IPL ના શેડ્યૂલ જાહેર કરવામાં થઈ રહેલા વિલંબ પાછળનું મુખ્ય કારણ ભારતના ચાર રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ છે. તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ અને કેરળમાં ચૂંટણીની તારીખો હજુ જાહેર થઈ નથી, જેને કારણે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં BCCI ને મુશ્કેલી પડી રહી છે. ચેન્નઈ, કોલકાતા અને ગુવાહાટી જેવા શહેરોમાં IPL મેચો રમાવાની હોવાથી બોર્ડ અત્યારે ચૂંટણી પંચની જાહેરાતની રાહ જોઈ રહ્યું છે. ફ્રેન્ચાઈઝીઓ દ્વારા પણ શેડ્યૂલ માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાથી, એવી શક્યતા છે કે શરૂઆતમાં માત્ર પ્રથમ થોડી મેચોનું જ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને બાકીનું શેડ્યૂલ ચૂંટણીની તારીખો મુજબ નક્કી થશે.

સૌથી મોટો સવાલ એ છે કે ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ ક્યાં રમાશે? નિયમ મુજબ ગત વર્ષની ચેમ્પિયન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર  ના હોમ ગ્રાઉન્ડ પર પહેલી મેચ યોજાવવી જોઈએ. પરંતુ, બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગયા વર્ષે સર્જાયેલી નાસભાગ અને દુર્ઘટનાને કારણે હાલમાં ત્યાં ક્રિકેટ મેચો પર પ્રતિબંધ મુકાયેલો છે. જો આ પ્રતિબંધ હટાવવામાં નહીં આવે, તો RCB ને તેમનો પહેલો મુકાબલો કોઈ અન્ય મેદાન પર રમવો પડી શકે છે. આ અનિશ્ચિતતાઓ વચ્ચે પણ IPL ના ક્રેઝમાં કોઈ કમી દેખાતી નથી અને ફેન્સ હવે એ જોવા આતુર છે કે હરાજીમાં ખરીદાયેલા નવા ખેલાડીઓ મેદાન પર કેવો જાદુ ચલાવે છે.

(10:07 PM IST)