તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th February 2026
ઈડન ગાર્ડન્સમાં ૧૦ વર્ષ જૂના 'ઝખ્મ'નો હિસાબ થશે: ધોનીની હારનો બદલો લેવા સૂર્યાની સેના તૈયાર, શું વેસ્ટ ઈન્ડિઝ સામે ૨૦૧૬નું પુનરાવર્તન અટકશે?
સુપર-૮નો સૌથી મોટો 'કરો યા મરો' જંગ: કોલકાતામાં ભારત અને કેરેબિયન પાવર-હિટર્સ વચ્ચે ટકરાવ, સેમીફાઇનલની ટિકિટ માટે ટીમ ઇન્ડિયાએ જીતવો જ પડશે આ ઈમોશનલ મુકાબલો

કોલકાતા:ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ હવે તેના અંતિમ અને સૌથી રોમાંચક તબક્કામાં પહોંચ્યો છે. સુપર-૮ ગ્રુપ-૧માં ભારતની સ્થિતિ મજબૂત છે, પરંતુ ૧ માર્ચના રોજ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી મેચ માત્ર એક રમત નહીં, પણ ૧૦ વર્ષ જૂના અપમાનનો બદલો લેવાની તક છે. ભારતીય ક્રિકેટ ચાહકોના મનમાં હજુ પણ ૨૦૧૬ની એ હારનો ડર અને પીડા અકબંધ છે, જે હવે સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં 'મલમ' બની શકે છે.
આજથી બરાબર ૧૦ વર્ષ પહેલા, ૨૦૧૬ના ટી-૨૦ વર્લ્ડ કપની સેમીફાઇનલમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ભારત જીતનું પ્રબળ દાવેદાર હતું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતે વિરાટ કોહલીના અણનમ ૮૯ રનની મદદથી ૧૯૨ રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. પરંતુ વેસ્ટ ઈન્ડિઝના લેન્ડલ સિમન્સ અને આન્દ્રે રસેલે ભારતીય બોલરોની એવી ધુલાઈ કરી હતી કે ભારતે ઘરઆંગણે વર્લ્ડ કપમાંથી બહાર થવું પડ્યું હતું. તે હાર આજે પણ ધોનીના ચાહકો ભૂલી શક્યા નથી.
હાલમાં ભારતીય ટીમ ફુલ ફોર્મમાં છે. ઝિમ્બાબ્વે સામે ૨૫૬ રનનો વિશાળ સ્કોર ખડકીને ભારતે સાબિત કરી દીધું છે કે તેમનું બેટિંગ યુનિટ કોઈપણ આક્રમણને તોડી શકે છે. સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા હવે ઈડન ગાર્ડન્સમાં કેરેબિયન પાવર-હિટર્સને માત આપવા આતુર છે. જો ભારત આ મેચ જીતે છે, તો તે ૨૦૧૬ની હારનો બદલો તો લેશે જ, પણ સેમીફાઇનલમાં પોતાનું સ્થાન પણ પાક્કું કરી લેશે.
૧ માર્ચના રોજ રમાનારી આ મેચ 'કરો યા મરો' સમાન છે. એક તરફ વેસ્ટ ઈન્ડિઝના તોફાની બેટ્સમેનો છે અને બીજી તરફ ભારતની શિસ્તબદ્ધ બોલિંગ. કોલકાતાની પિચ હંમેશા હાઈ-સ્કોરિંગ રહી છે, ત્યારે સૂર્યાના બેટમાંથી નીકળતા ૩૬૦ ડિગ્રી શોટ્સ વેસ્ટ ઈન્ડિઝના બોલરો માટે મુસીબત બની શકે છે. ભારત માટે આ મેચ માત્ર સેમીફાઈનલનો રસ્તો નથી, પણ કરોડો ભારતીયોની ભાવનાઓનો સવાલ છે. શુ રવિવારે કોલકાતામાં ઈતિહાસ બદલાશે? શું સૂર્યા ધોનીનું એ અધૂરું સપનું પૂરું કરશે? આ તમામ સવાલોના જવાબ ૧ માર્ચની રાત્રે મેદાન પર મળશે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
