તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 26th February 2026
કિવી સ્પિનરોની જાળમાં ફસાયું શ્રીલંકા: રચિન રવિન્દ્રના તરખાટ સામે યજમાન ટીમનો ધબડકો, ન્યુઝીલેન્ડે લંકાનું વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન રોળ્યું
મિશેલ સેન્ટનર અને મેકકોન્ચીની વિસ્ફોટક બેટિંગ બાદ સ્પિનરોના જાદુ સામે લંકાની ટીમ પાણીમાં; કોલંબોના મેદાન પર ન્યુઝીલેન્ડની ૬૧ રને ભવ્ય જીત

કોલંબો, તા. ૨૬ : ટી૨૦ વર્લ્ડ કપના સુપર-૮ મુકાબલામાં ન્યુઝીલેન્ડે યજમાન શ્રીલંકાને તેમના જ ઘરમાં હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું છે. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી, પરંતુ કિવી બેટ્સમેનો અને ત્યારબાદ સ્પિનરોના જાદુ સામે લંકાની ટીમ પાણીમાં બેસી ગઈ હતી. ન્યુઝીલેન્ડે આપેલા ૧૬૯ રનના લક્ષ્યાંક સામે શ્રીલંકાની ટીમ ૨૦ ઓવરમાં માત્ર ૧૦૭ રન જ બનાવી શકી હતી અને ૬૧ રનથી પરાજય સહન કરવો પડ્યો હતો.
ન્યુઝીલેન્ડની શરૂઆત નબળી રહી હતી અને એક સમયે સ્કોર ૮૪ રનમાં ૬ વિકેટ થઈ ગયો હતો. જોકે, કેપ્ટન મિશેલ સેન્ટનર (૪૭ રન) અને કોલ મેકકોન્ચી (૩૧ રન) એ અંતિમ ઓવરોમાં તોફાની બેટિંગ કરીને બાજી પલટી નાખી હતી. છેલ્લી ૪ ઓવરમાં ન્યુઝીલેન્ડે અધધ ૭૦ રન ઝૂડી કાઢીને સ્કોર ૧૬૮ સુધી પહોંચાડ્યો હતો. શ્રીલંકા તરફથી થીક્ષના અને ચમીરાએ ૩-૩ વિકેટ ઝડપી હતી, પણ અંતિમ ઓવરોમાં તેઓ રન રોકવામાં નિષ્ફળ રહ્યા હતા.
રનનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત પણ ખૂબ જ ખરાબ રહી હતી. મેટ હેનરીએ પ્રથમ જ બોલ પર પથુમ નિસાન્કાને આઉટ કરીને લંકાની કમર તોડી નાખી હતી. ત્યારબાદ રચિન રવિન્દ્રએ પોતાની ફિરકીનો જાદુ ચલાવતા મધ્યમ ક્રમના બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા. રવિન્દ્રએ માત્ર ૨૭ રન આપીને ૪ મહત્વની વિકેટો ઝડપી હતી. શ્રીલંકાના બેટ્સમેનો કિવી સ્પિનરો સામે લાચાર દેખાયા હતા અને રન રેટ સતત વધતો ગયો હતો.
આ જીત સાથે ન્યુઝીલેન્ડે સેમીફાઈનલની રેસમાં પોતાની દાવેદારી મજબૂત કરી છે, જ્યારે યજમાન શ્રીલંકા માટે વર્લ્ડ કપની સફર અહીં જ સમાપ્ત થઈ ગઈ છે. ન્યુઝીલેન્ડની આ જીતથી હવે ગ્રુપના અન્ય સમીકરણો પણ રોમાંચક બન્યા છે, જેણે પાકિસ્તાન માટેની મુશ્કેલીઓમાં પણ વધારો કર્યો છે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
