તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th February 2026
રણજી ટ્રોફી ફાઈનલમાં હંગામો: જમ્મુ-કાશ્મીરના કેપ્ટન પારસ ડોગરાએ મેદાન પર ગુસ્સો ગુમાવ્યો, કર્ણાટકના ફિલ્ડરને ‘હેડબટ’ (માથું) માર્યું!
સ્લેજિંગથી છંછેડાયેલા કેપ્ટને મર્યાદા ઓળંગી; મયંક અગ્રવાલ અને અમ્પાયરોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો, બાદમાં માફી માંગી પણ ફિલ્ડરે ન સ્વીકારી

હુબલી: રણજી ટ્રોફીની હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચમાં જમ્મુ-કાશ્મીર અને કર્ણાટક વચ્ચે રમત કરતા વિવાદ વધુ ચર્ચામાં રહ્યો છે. હુબલીના મેદાન પર રમત દરમિયાન જમ્મુ-કાશ્મીરના કેપ્ટન પારસ ડોગરાએ પોતાનો સંયમ ગુમાવ્યો અને કર્ણાટકના ફિલ્ડરને માથાથી ધક્કો (હેડબટ) માર્યો હતો. ક્રિકેટના મેદાન પર ભાગ્યે જ જોવા મળતી આ હિંસક ઘટનાને પગલે સ્ટેડિયમમાં હાજર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.
સ્લેજિંગથી કેપ્ટનનો પારો સાતમા આસમાને
આ ઘટના જમ્મુ-કાશ્મીરની ઇનિંગની ૧૦૧મી ઓવર દરમિયાન બની હતી. જાણવા મળ્યું છે કે કર્ણાટકનો સબસ્ટિટ્યુટ ફિલ્ડર કેવી અનિશ સતત સ્લેજિંગ કરીને પારસ ડોગરાનું ધ્યાન ભટકાવવા પ્રયાસ કરી રહ્યો હતો. પ્રસિદ્ધ કૃષ્ણાના બોલ પર ચોગ્ગો ફટકાર્યા બાદ ડોગરા સીધા શોર્ટ લેગ પર ઉભેલા અનિશ પાસે પહોંચ્યા હતા અને ઉગ્ર બોલાચાલી બાદ પોતાના માથાથી અનિશના માથા પર પ્રહાર કર્યો હતો. જોકે અનિશે હેલ્મેટ પહેર્યું હોવાથી મોટી ઈજા ટળી હતી.
મયંક અગ્રવાલ અને કેએલ રાહુલની દરમિયાનગીરી
પરિસ્થિતિ ગંભીર બનતા કર્ણાટકના કેપ્ટન મયંક અગ્રવાલે તરત જ બંને ખેલાડીઓને અલગ કર્યા હતા. અમ્પાયરોએ પણ દોડી આવીને પારસ ડોગરાને શાંત પાડ્યા હતા. બીજી તરફ, કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે આ ગેરવર્તણૂક બદલ ડોગરાને સંભળાવ્યું હતું. ઓવર પૂરી થયા બાદ ડોગરાને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમણે અનિશની માફી માંગી હતી, પરંતુ ફિલ્ડરે તેને માફ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
મેદાન પર ખેલાડીઓ વચ્ચે ખેલાયો જંગ
ફક્ત આ જ નહીં, મેચ દરમિયાન અન્ય ખેલાડીઓ પણ સામસામે આવી ગયા હતા. કર્ણાટકના બોલર વૈશાખ વિજયકુમારે બેટ્સમેન કન્હૈયા વાધવનને રન લેતી વખતે કોણી મારી હતી, જેના કારણે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પ્રથમ દિવસે વૈશાખના બાઉન્સરથી ડોગરા ઈજાગ્રસ્ત થયા હોવાથી મેદાન પર પહેલેથી જ તણાવ જોવા મળી રહ્યો હતો.
સ્કોરબોર્ડની સ્થિતિ
વિવાદો વચ્ચે પણ જમ્મુ-કાશ્મીરે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું છે. બીજા દિવસની રમતના અંતે જમ્મુ-કાશ્મીરે ૬ વિકેટે ૫૨૭ રનનો જંગી સ્કોર ખડકી દીધો છે. જેમાં શુભમ પુંડિરના ૧૨૧ રન અને કેપ્ટન પારસ ડોગરાના ૭૦ રનનો મહત્વનો ફાળો છે. હાલમાં સાહિલ લોત્રા ૫૭ રને અણનમ રમી રહ્યો છે.
ક્રિકેટના મેદાન પર આ પ્રકારની શિસ્તભંગની ઘટના બાદ હવે જોવાનું એ રહેશે કે મેચ રેફરી પારસ ડોગરા સામે કેવા કડક પગલાં લે છે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
