<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

પાકિસ્તાનને 2 વિકેટથી હરાવીને ઇંગ્લેન્ડની સેમીફાઈનલમાં એન્ટ્રી: હેરી બ્રુકની શાનદાર સદી

T20 વર્લ્ડકપમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 4 મેચ રમાઈ છે અને ઈંગ્લેન્ડે તે બધી જીતી લીધી

શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં T20 વર્લ્ડકપ 2026ની 45મી મેચ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. ઈંગ્લેન્ડે પાકિસ્તાનને બે વિકેટથી હરાવીને સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડે આ ટાર્ગેટ 19.1 ઓવરમાં હાંસલ કરીને મોટી જીત નોંધાવી હતી. ઈંગ્લેન્ડ માટે હેરી બ્રુક આ મેચનો રિયલ હીરો હતો. તેને શાનદાર સદી ફટકારી અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો. આ સાથે ઈંગ્લેન્ડે પાકિસ્તાન સામે તેનો 100% જીતનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. T20 વર્લ્ડકપમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 4 મેચ રમાઈ છે અને ઈંગ્લેન્ડે તે બધી જીતી લીધી છે.

આ મેચમાં પાકિસ્તાને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. સેમ અયુબ અને સાહિબઝાદા ફરહાને પહેલી વિકેટ માટે ફક્ત 14 રન બનાવ્યા. સેમ અયુબ 7 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો. આ પછી કેપ્ટન સલમાન અલી આગા 6 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો. આ પછી બાબર આઝમ અને ફખર ઝમાને 25-25 રનની ઈનિંગ રમી. બાબરે 24 બોલમાં આટલા રન બનાવ્યા, જ્યારે ફખરે 16 બોલનો સામનો કર્યો. આ પછી શાદાબ ખાને 11 બોલમાં 23 રનની ઈનિંગ રમી. બાકીના પાકિસ્તાની બેટ્સમેન સિંગલ ડિજિટ સ્કોરમાં આઉટ થયા. ઈંગ્લેન્ડ તરફથી લિયામ ડોસને સૌથી વધુ 3 વિકેટ લીધી. જેમી ઓવરટન અને જોફ્રા આર્ચરે 2-2 વિકેટ લીધી.

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત પણ સારી ન હતી. ટીમના 2 બેટ્સમેન માત્ર 17 રનના સ્કોર સાથે પેવેલિયનમાં પરત ફર્યા હતા. આ રન ચેઝમાં ઈંગ્લેન્ડનો એકમાત્ર હીરો હેરી બ્રુક હતો. તેને શાનદાર ઈનિંગ્સ રમી અને 51 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 100 રન બનાવ્યા. તેના સિવાય સમ કરનએ 16 રનનું યોગદાન આપ્યું.

આ દરમિયાન વિલ જેક્સે બ્રુકને સારો સાથ આપ્યો. જેક્સે 23 બોલમાં 28 રન બનાવ્યા. પાકિસ્તાનની બોલિંગની વાત કરીએ તો શાહીન આફ્રિદીએ સૌથી વધુ 4 વિકેટ લીધી. તેના સિવાય ઉસ્માન તારિકને 2 સફળતા મળી. ઈંગ્લેન્ડ આ વર્લ્ડકપની સેમીફાઈનલમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઈ છે.

(11:22 PM IST)