<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

શિમરોન હેટમાયર ઝિમ્બાબ્વે પર ઝંઝાવાતની માફક તૂટી પડ્યો: સૌથી ઝડપી ફિફટી ફટકારી

માત્ર 16 દિવસ પછી હેટમાયરે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો: હેટમાયરે 34 બોલમાં 85 રન ઝૂડ્યા : 7 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા

ટી20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન શિમરોન હેટમાયર એક અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યો છે. આ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેને સુપર 8 મેચમાં ઝિમ્બાબ્વે સામે માત્ર 19 બોલમાં અડધી સદી ફટકારી હતી. હેટમાયરની આ અડધી સદી એક રેકોર્ડબ્રેક ઇનિંગ છે. તે T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. આશ્ચર્યજનક વાત એ છે કે હેટમાયરે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે.
શિમરોન હેટમાયરે આ T20 વર્લ્ડ કપની પહેલી મેચમાં સ્કોટલેન્ડ સામે 22 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી ઝડપી અડધી સદી હતી પરંતુ માત્ર 16 દિવસ પછી હેટમાયરે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો. હેટમાયરે 34 બોલમાં 85 રનની શાનદાર ઇનિંગ રમી. તેના બેટમાંથી 7 છગ્ગા અને 7 ચોગ્ગા લાગ્યા.
ત્રીજી ઓવરમાં શિમરોન હેટમાયર ક્રીઝ પર આવ્યો. બ્રાન્ડન કિંગ ફક્ત 9 રન બનાવીને આઉટ થયો અને શિમરોન હેટમાયર તેના પહેલા બોલ પર ફોર ફટકારીને પોતાનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો. જ્યારે પણ હેટમાયરને તક મળતી ત્યારે તેણે હવામાં બોલ મારવામાં કોઈ કસર છોડી નહીં. આ ખેલાડીએ પાંચમી ઓવરમાં સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા અને સાતમી અને આઠમી ઓવરમાં મળીને આ ખેલાડીએ સતત ત્રણ બોલ પર ત્રણ છગ્ગા ફટકાર્યા. હેટમાયરે છગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂર્ણ કરી. આ ખેલાડીએ પોતાની અડધી સદી દરમિયાન પાંચ છગ્ગા ફટકાર્યા. જોકે, આ ખેલાડી ક્રિસ ગેઇલનો સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તોડી શક્યો નહીં.

શિમરોન હેટમાયરને પણ તેના 9 રનના વ્યક્તિગત સ્કોર પર જીવનદાન મળ્યું હતું. ઝિમ્બાબ્વેના ખેલાડી મુસિકવાએ બ્લેસિંગ મુઝારાબાની બોલ પર એક સરળ કેચ છોડી દીધો, જે બાદ હેટમાયરએ ઝિમ્બાબ્વેના બોલરોને ધોઈ નાખ્યા હતા.

(11:27 PM IST)