તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd February 2026
અમદાવાદમાં 'મોર્કેલ વર્સિસ મોર્કેલ': લોહીના સંબંધો પર ભારે પડશે પ્રોફેશનલ ડ્યુટી!
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં બે સગા ભાઈઓ વચ્ચે જામશે માસ્ટરમાઈન્ડની જંગ, મમ્મી મૂંઝવણમાં

અમદાવાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે જ્યારે ભારત અને સાઉથ આફ્રિકાની ટીમો ટકરાશે, ત્યારે મેદાન પર માત્ર ખેલાડીઓ જ નહીં પરંતુ ડગઆઉટમાં બેઠેલા બે સગા ભાઈઓ વચ્ચે પણ 'બ્રેઈન વોર' જોવા મળશે. આ મેચમાં ભારત અને સાઉથ આફ્રિકાના વિજયની ચાવી બે મોર્કેલ ભાઈઓ— મોર્ને અને એલ્બી ના હાથમાં છે.
ભારતીય ટીમના બોલિંગ કોચ તરીકે મોર્ને મોર્કેલ અત્યારે ગૌતમ ગંભીરના ખાસ રણનીતિકાર છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 500થી વધુ વિકેટ ઝડપનાર મોર્ને પોતાની જ માતૃભૂમિ (સાઉથ આફ્રિકા) ના બેટર્સની નબળાઈઓ જાણે છે. તેણે જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ સાથે મળીને આફ્રિકન બેટિંગ ઓર્ડરને વેરવિખેર કરવા માટે ખાસ 'બ્લુ પ્રિન્ટ' તૈયાર કરી છે.
સામે પક્ષે મોટો ભાઈ એલ્બી મોર્કેલ સાઉથ આફ્રિકાની ટીમમાં સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત છે. IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી વર્ષો સુધી રમેલા એલ્બી પાસે ભારતીય પિચો અને ખેલાડીઓના માનસને સમજવાનો બહોળો અનુભવ છે. એલ્બી અત્યારે આફ્રિકન સ્પિનરોને ભારતીય બેટર્સ સામે કેવી રીતે જાળ બિછાવવી તેની ટ્રેનિંગ આપી રહ્યો છે.
આ અનોખા મુકાબલા વિશે હસતા હસતા એલ્બીએ જણાવ્યું કે, "અમે અત્યારે મેચ બાબતે કોઈ વાતચીત નથી કરતા. સૌથી વધુ પરેશાન તો અમારી મમ્મી છે, કારણ કે તેને સમજાતું નથી કે ભારતને સપોર્ટ કરવો કે સાઉથ આફ્રિકાને!" એક જ ઘરમાંથી નીકળેલા બે દિગ્ગજો આજે બે અલગ-અલગ દેશોના વિજય માટે પોતાની તમામ બુદ્ધિશક્તિ લગાવી રહ્યા છે.
અમદાવાદના આ હાઈ-વોલ્ટેજ ડ્રામામાં હવે એ જોવાનું રહેશે કે કયા ભાઈની રણનીતિ મેદાન મારી જાય છે. શું મોર્નેના બોલરો ભારતને જીત અપાવશે કે પછી એલ્બીનો અનુભવ સાઉથ આફ્રિકાને સુપર-8માં મજબૂત સ્થિતિમાં લાવશે?
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
