તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
T20 વર્લ્ડ કપમાં ‘સૂર્યા’નો તેવર: સતત ૩ વાર ઝીરો પર આઉટ થવા છતાં અભિષેક શર્માની ટીમમાંથી છુટ્ટી નહીં! સાઉથ આફ્રિકા સામેના જંગ પહેલા કેપ્ટને સંજુ સેમસન વિશે આપ્યો ચોંકાવનારો જવાબ
“અભિષેક કે તિલક... કોને પડતો મૂકું?”: પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમાર યાદવે ટીકાકારોની બોલતી બંધ કરી; સુપર-૮ માં આફ્રિકા સામે મેદાન મારવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત સજ્જ

અમદાવાદ: T20 વર્લ્ડ કપ ૨૦૨૬ હવે તેના સૌથી રોમાંચક તબક્કે એટલે કે 'સુપર-૮' માં પહોંચી ગયો છે. આવતીકાલે એટલે કે ૨૨ ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. આ મહામુકાબલા પહેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં જે અંદાજમાં જવાબો આપ્યા, તેનાથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને સતત ફ્લોપ જઈ રહેલા અભિષેક શર્મા અને બેન્ચ પર બેઠેલા સંજુ સેમસનને લઈને સૂર્યાએ સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે.
અભિષેક શર્મા પર અતૂટ વિશ્વાસ: ‘ઝીરો’ થી ડરતા નથી સૂર્યા!
યુવા બેટ્સમેન અભિષેક શર્મા અત્યારે તેના કરિયરના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તે સતત ત્રણ મેચમાં એક પણ રન બનાવ્યા વગર એટલે કે 'ડક' પર આઉટ થયો છે. જ્યારે પત્રકારોએ તેના ફોર્મ વિશે પ્રશ્ન પૂછ્યો, ત્યારે સૂર્યાએ બિન્ધાસ થઈને કહ્યું:
"મને કોઈ ચિંતા નથી. મને એવા લોકો વિશે ચિંતા થાય છે જેઓ અભિષેકના ફોર્મ વિશે ચિંતા કરી રહ્યા છે! આ એક ટીમ ગેમ છે. ગયા વર્ષે તેણે જ અમને જિતાડ્યા હતા, જો અત્યારે તે રન નથી બનાવી રહ્યો તો અમે (ટીમના અન્ય સભ્યો) તેની ભરપાઈ કરીશું."
સંજુ સેમસનના ચાહકો માટે માઠા સમાચાર
મેદાનમાં સંજુ સેમસનને પ્લેઈંગ-૧૧ માં સામેલ કરવાની માંગ જોર પકડી રહી છે, પરંતુ સૂર્યાએ તેના પર હસીને વળતો સવાલ કર્યો હતો. સૂર્યાએ કહ્યું, "શું મારે અભિષેકને પડતો મૂકવો જોઈએ? તે નંબર ૩ પર બેટિંગ કરે છે. જો તેને ન કાઢું તો શું તિલક વર્માને બહાર કરું?" કેપ્ટનના આ નિવેદન પરથી સ્પષ્ટ છે કે વિજયી કોમ્બિનેશનમાં હાલ કોઈ ફેરફાર નહીં થાય અને સંજુએ હજુ રાહ જોવી પડશે.
અમદાવાદની પિચ અને ૧૯૦ નો સ્કોર
અમદાવાદની પિચ વિશે વાત કરતા સૂર્યાએ કહ્યું કે પિચ ભલે ચેલેન્જિંગ હોય, પણ અમારી પાસે એવી સ્કીલ છે જે ગમે ત્યારે મેચ પલટી શકે છે. કેપ્ટનને વિશ્વાસ છે કે જો બેટ્સમેનો ૧૮૦-૧૯૦ રન બોર્ડ પર લગાવી દેશે, તો ભારતીય બોલરો આફ્રિકાના બેટ્સમેનોને રોકવા માટે સક્ષમ છે.
ઓફ-સ્પિન સામેની રણનીતિ
ભારતીય બેટ્સમેનો અવારનવાર ઓફ-સ્પિનર્સ સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા છે. તેના પર સૂર્યાએ કહ્યું કે ટીમ હવે જૂની રણનીતિ બદલીને વધુ આક્રમક રમત રમશે. ટીમ હવે પરિસ્થિતિનું સન્માન કરીને સ્માર્ટ ક્રિકેટ રમવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
આવતીકાલની મેચ ભારત માટે વર્લ્ડ કપની ફાઈનલ સુધીની સફર નક્કી કરવા માટે અત્યંત મહત્વની રહેશે. શું સૂર્યાનો ‘અભિષેક પ્રેમ’ સાચો ઠરશે કે પછી આફ્રિકા બાજી મારી જશે? તે જોવું રસપ્રદ રહેશે.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
