તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th February 2026
દુબેનું ‘શિવ' તાંડવ, કેચ છોડવાની પરંપરા, વરૂણની ‘મિસ્ટ્રી સ્પિન' અભિષેકનો ‘શૂન્યકાળ'
ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ પાંચ કેચ છોડયા, વરુણ ચક્રવર્તીને ત્રણ વિકેટ

નવી દિલ્હીઃ ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬માં ભારતીય ટીમે પોતાનો વિજયી રથ જાળવી રાખતા નેધરલેન્ડ્સને ૧૭ રને પરાજય આપ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ફિલ્ડરોએ ભલે કંગાળ ફિલ્ડિંગ કરી ૫ કેચ છોડ્યા હોય, પરંતુ ઓલરાઉન્ડર શિવમ દુબેની આક્રમક બેટિંગ અને વરુણ ચક્રવર્તીની દ્યાતક બોલિંગે ભારતને હારના જોખમમાંથી ઉગારી લીધું હતું. આ જીત સાથે ભારત ગ્રુપ-એ માં સતત ૪ જીત સાથે સુપર-૮ માં શાનદાર એન્ટ્રી કરી છે.
શિવમ દુબેએ મુશ્કેલ સમયે મેદાન પર ઉતરીને ડચ બોલરોની ધોલાઈ કરી હતી. તેણે માત્ર ૩૧ બોલમાં ૬૬ રન (૪ ચોગ્ગા, ૬ છગ્ગા) ફટકારી ભારતને ૧૯૩ના સ્કોર સુધી પહોંચાડ્યું. તેણે બોલિંગમાં પણ ૨ મહત્વની વિકેટ ઝડપી હતી. ભારતીય ફિલ્ડિંગમાં ભારે લબાડાઈ જોવા મળી હતી. મેચ દરમિયાન કુલ ૫ કેચ પડતા મૂકવામાં આવ્યા હતા. છેલ્લી ઓવરમાં પણ રિંકુ સિંહ અને સૂર્યા વચ્ચે અથડામણ થતા કેચ છૂટ્યો હતો, જે ભારતને ભારે પડી શક્યો હોત.
વરુણ ચક્રવર્તીએ ફરી એકવાર પોતાની ફિરકીમાં નેધરલેન્ડના બેટ્સમેનોને ગૂંચવ્યા હતા. તેણે ૩ ઓવરમાં માત્ર ૧૪ રન આપી ૩ વિકેટ ઝડપી ડચ ટીમને મધ્ય ઓવરોમાં બેકફૂટ પર ધકેલી દીધી હતી. યુવા ઓપનર અભિષેક શર્મા માટે આ વર્લ્ડ કપ અત્યાર સુધી ખરાબ સપના જેવો રહ્યો છે. તે આ મેચમાં પણ સતત ત્રીજી વખત શૂન્ય રને આઉટ થયો હતો. આર્યન દત્તે તેને પહેલા જ સ્પેલમાં બોલ્ડ કર્યો હતો.
ભારતઃ૧૯૩/૬ (૨૦ ઓવર) - શિવમ દુબે ૬૬, સૂર્યકુમાર ૩૪, લોગન વાન બીક ૩/૫૬. નેધરલેન્ડઃ ૧૭૬/૭ (૨૦ ઓવર) - બાસ ડી લીડે ૩૩, વરુણ ચક્રવર્તી ૩/૧૪, શિવમ દુબે ૨/૩૫.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
