<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

મોહમ્મદ શમીનો ‘સેમીફાઈનલ’ શો: જમ્મુ-કાશ્મીર સામે ૮/૯૦ની ઘાતક સ્પેલ; ઘરઆંગણે વિકેટોની હેલી કરી ટીમ ઈન્ડિયાના દરવાજા ખખડાવ્યા

બંગાળ તરફથી રમતા શમીએ ફર્સ્ટ ક્લાસ કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું:રણજી, સૈયદ મુશ્તાક અલી અને વિજય હઝારેમાં શાનદાર ફોર્મ સાથે ફિટનેસનો પુરાવો આપ્યો

કોલકાતા: ભારતીય ટીમનો અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અત્યારે લાલ બોલથી મેદાન પર આગ ઓકી રહ્યો છે. પશ્ચિમ બંગાળના કલ્યાણી સ્ટેડિયમમાં રમાયેલી રણજી ટ્રોફીની સેમીફાઈનલમાં શમીએ જમ્મુ-કાશ્મીરની બેટિંગ લાઈનઅપના લીરેલીરા ઉડાડી દીધા હતા. તેણે ૨૨.૧ ઓવરમાં માત્ર ૯૦ રન આપીને ૮ વિકેટ ઝડપી હતી, જે તેના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયરનું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે.
 છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાની બહાર રહેલા શમીએ હાર માન્યા વગર ડોમેસ્ટિક ક્રિકેટને જ વાપસીનું હથિયાર બનાવ્યું છે. આ સીઝનમાં તેનું પ્રદર્શન કોઈ વિસ્ફોટથી ઓછું નથી:
• રણજી ટ્રોફી: ૭ મેચમાં ૩૮ વિકેટ (૩ વખત ૫ વિકેટ હોલ).
• સૈયદ મુશ્તાક અલી ટ્રોફી: ૭ મેચમાં ૧૬ વિકેટ (એવરેજ ૧૪.૯૩).
• વિજય હઝારે ટ્રોફી: ૭ મેચમાં ૧૫ વિકેટ.
૩૫ વર્ષની ઉંમરે પણ શમીએ બતાવ્યું છે કે તેની પાસે હજુ પણ તે જ જૂની લય અને સચોટ સીમ પોઝિશન છે. જમ્મુ-કાશ્મીરના કેપ્ટન પારસ ડોગરા અને અબ્દુલ સમદ જેવા બેટ્સમેનો પણ તેની સ્પીડ સામે લાચાર દેખાયા હતા. આ પ્રદર્શન બાદ ઈરફાન પઠાણ જેવા દિગ્ગજોએ પણ તેના વખાણ કરતા કહ્યું છે કે, જ્યારે દેશમાં T20 વર્લ્ડ કપનો માહોલ છે (જેમાં શમી ટીમનો ભાગ નથી), ત્યારે શમી રણજીમાં જે રીતે પરસેવો પાડી રહ્યો છે તે કાબિલે તારીફ છે.
 આ મેચ બાદ શમીએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું કે, “હાર્ડ વર્કનું ફળ મળી રહ્યું છે. મારું કામ ફિટ રહેવાનું અને મેદાન પર પ્રદર્શન કરવાનું છે, બાકીનો નિર્ણય પસંદગીકારોના હાથમાં છે.” તેની આ ભયાનક લય જોતા લાગે છે કે ૨૦૨૬માં ટીમ ઈન્ડિયાના આગામી મોટા ટેસ્ટ મિશન માટે શમીને નજરઅંદાજ કરવો અજીત અગરકરની પસંદગી સમિતિ માટે લગભગ અશક્ય બની જશે.
બંગાળે શમીના જોરે પ્રથમ દાવમાં ૨૬ રનની લીડ મેળવી છે. હવે જોવાનું એ રહેશે કે આ ૮ વિકેટનો આંકડો શમીને ફરી બ્લૂ જર્સીમાં ક્યારે લાવે છે.

(8:50 PM IST)