<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

IND vs PAK: ચહલની 'ગુગલી'માં ફસાયો પાકિસ્તાની સ્પિનર : મેદાન પર ઉતરતા પહેલા જ સોશિયલ મીડિયા પર શરૂ થયો જંગ!

T20 વર્લ્ડ કપની મહાજંગ પહેલા ઉસ્માન તારિકની અજીબોગરીબ એક્શનની યુઝવેન્દ્ર ચહલે ઉડાવી મજાક: વાયરલ પોસ્ટરમાં 'સ્ટેચ્યુ' બનીને ચહલે આપ્યો જડબાતોડ જવાબ

કોલંબો:  ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ મુકાબલામાં મેદાન પર રન અને વિકેટનો વરસાદ થાય તે પહેલા સોશિયલ મીડિયા પર હાસ્યના ફટાકડા ફૂટવાના શરૂ થઈ ગયા છે. T20 વર્લ્ડ કપ 2026ની હાઈ-વોલ્ટેજ મેચ પહેલા પાકિસ્તાનના રહસ્યમય સ્પિનર ઉસ્માન તારિકની વિચિત્ર બોલિંગ એક્શન આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના મજાકિયા સ્પિનર યુઝવેન્દ્ર ચહલે એક કાર્ટૂન પોસ્ટર શેર કરીને તારિકની એવી મજાક ઉડાવી કે તે સોશિયલ મીડિયા પર ટોપ ટ્રેન્ડ બની ગયું છે. પોસ્ટરમાં ચહલ પીચ પર પોતાના જૂના વાયરલ પોઝમાં સૂતો જોવા મળે છે અને તારિકની એક્શન સામે 'સ્ટેચ્યુ' લખીને તેને રમવાનો શ્રેષ્ઠ રસ્તો ગણાવ્યો છે.

આ મેચ માટે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં વાતાવરણ ગરમાયું છે. પાકિસ્તાની બોલર ઉસ્માન તારિકની એક્શનમાં બોલ ફેંકતા પહેલા જે અટકવાની રીત છે, તેને કાઉન્ટર કરવા માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે નેટ્સમાં ખાસ તૈયારીઓ કરી છે. સૂર્યા પોતે પણ પ્રેક્ટિસ દરમિયાન આવી જ એક્શનથી બેટ્સમેનોને બોલિંગ કરતો જોવા મળ્યો હતો. સૂર્યાએ પ્રેસ કોન્ફરન્સમાં ચતુરાઈભર્યો જવાબ આપતા કહ્યું કે, "પરીક્ષામાં ઘણીવાર સિલેબસ બહારના પ્રશ્નો આવે છે, પણ અમે હાર માનનારા નથી." ભારતીય ટીમે આ મેચમાં કુલદીપ યાદવ અને અભિષેક શર્માને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરીને પોતાની રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે.

ટોસની વાત કરીએ તો, પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું છે. ભારત તરફથી સંજુ સેમસન અને અર્શદીપ સિંહને આ મેચમાં આરામ આપવામાં આવ્યો છે, જે ઘણા ચાહકો માટે આશ્ચર્યજનક નિર્ણય રહ્યો છે. જોકે, બધાની નજર હવે એ વાત પર ટકેલી છે કે શું ઉસ્માન તારિકની 'મિસ્ટ્રી' ભારતીય બેટ્સમેનોને પજવશે કે પછી ચહલની પોસ્ટ મુજબ ટીમ ઈન્ડિયા આ મુશ્કેલીને હસીને ઉડાવી દેશે. કોલંબોનું આખું સ્ટેડિયમ અત્યારે ભારત-પાક જંગના સાક્ષી બનવા માટે બ્લુ અને ગ્રીન જર્સીથી ઉભરાઈ રહ્યું છે.

(7:57 PM IST)