તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th February 2026
નેપાળની વર્લ્ડ કપ સફરનો કરુણ અંત: વેસ્ટ ઈન્ડિઝે 9 વિકેટે હરાવ્યું : સુપર-8 માં પહોંચનારી પ્રથમ ટીમ!
જેસન હોલ્ડરે 27 રનમાં 4 વિકેટ ઝડપી મેચ પલટી નાખી: શાઈ હોપના અણનમ 61 રને કેરેબિયન ટીમને અપાવી શાનદાર જીત

મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે નેપાળને 9 વિકેટે હરાવીને ICC પુરૂષ T20 વર્લ્ડ કપ 2026ના સુપર 8 રાઉન્ડમાં સત્તાવાર રીતે એન્ટ્રી કરી લીધી છે. આ જીત સાથે કેરેબિયન ટીમ ટુર્નામેન્ટના આગામી રાઉન્ડમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો વેસ્ટ ઈન્ડિઝનો નિર્ણય સચોટ સાબિત થયો હતો. કેરેબિયન બોલરો સામે નેપાળના બેટ્સમેનો લાચાર જણાયા હતા અને સમગ્ર ટીમ 20 ઓવરમાં માત્ર 133 રન બનાવી શકી હતી. નેપાળ તરફથી દીપેન્દ્ર સિંહ એરી એ 47 બોલમાં 58 રનની સંઘર્ષપૂર્ણ ઇનિંગ રમી હતી, પરંતુ તેને અન્ય કોઈ બેટ્સમેનનો સાથ મળ્યો નહોતો.
વેસ્ટ ઈન્ડિઝના અનુભવી ફાસ્ટ બોલર જેસન હોલ્ડર નેપાળ માટે કાળ સાબિત થયા હતા. હોલ્ડરે પોતાની 4 ઓવરમાં માત્ર 27 રન આપીને 4 મહત્વની વિકેટો ઝડપી હતી. જ્યારે મેથ્યુ ફોર્ડ એ અત્યંત કરકસરયુક્ત બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 10 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શન બદલ હોલ્ડરને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યા હતા.
134 રનના સામાન્ય લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે માત્ર 15.2 ઓવરમાં વિજય હાંસલ કરી લીધો હતો. કેપ્ટન શાઈ હોપએ અણનમ 61 રન (44 બોલ) અને શિમરોન હેટમાયરએ આક્રમક 46 રન (32 બોલ) બનાવીને બીજી વિકેટ માટે 91 રનની અણનમ ભાગીદારી કરી હતી. નેપાળનો સ્ટાર સ્પિનર સંદીપ લામિછાણે ઘણો મોંઘો સાબિત થયો હતો, તેણે 3 ઓવરમાં 38 રન લુટાવ્યા હતા. આ હાર સાથે નેપાળની ટીમ વર્લ્ડ કપ 2026 ની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
