<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

કોલંબોમાં ક્રિકેટનો જંગ કે વરસાદનો ભંગ? ભારત-પાક મહામુકાબલા પર શ્રીલંકાથી આવ્યા મોટા સમાચાર

વરસાદના સંકટ વચ્ચે ક્રિકેટ પ્રેમીઓ માટે રાહતના અપડેટ; મેચ રદ થશે તો પણ બંને ટીમો માટે ખુલશે સુપર-૮ ના દ્વાર

કોલંબો:ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માત્ર રમત નથી, પણ કરોડો ફેન્સના હૃદયના ધબકારા છે. આજે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં જ્યારે આ બંને કટ્ટર હરીફો આમને-સામને ટકરાશે, ત્યારે મેદાન પર ખેલાડીઓ કરતા વધુ સસ્પેન્સ આકાશના વાદળોએ વધારી દીધું છે. શ્રીલંકાના હવામાન વિભાગે આપેલી લેટેસ્ટ અપડેટ મુજબ, કોલંબોમાં અત્યારે વાદળછાયું વાતાવરણ તો છે, પણ સૌથી સુખદ સમાચાર એ છે કે વરસાદ પડવાની શક્યતા ઘણી ઓછી છે. દક્ષિણ અને પૂર્વી પ્રાંતોમાં ભલે મેઘરાજાની એન્ટ્રીની આગાહી હોય, પરંતુ પશ્ચિમમાં આવેલા કોલંબોમાં વાતાવરણ શુષ્ક રહેવાની ધારણાથી ફેન્સમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

ગણિતની વાત કરીએ તો, ગ્રૂપ સ્ટેજની આ મેચ માટે કોઈ 'રિઝર્વ ડે' નથી. જો વરસાદ વિઘ્ન બને અને મેચ રદ થાય, તો ભારત અને પાકિસ્તાન બંનેને ૧-૧ પોઈન્ટ મળશે. આ સ્થિતિમાં બંને ટીમોના ૫-૫ પોઈન્ટ થઈ જશે અને તેઓ સત્તાવાર રીતે સુપર-૮ માં સ્થાન મેળવી લેશે. ભારત હાલમાં શાનદાર રન રેટ સાથે ટેબલ ટોપર છે અને અભિષેક શર્મા તથા કુલદીપ યાદવની સંભવિત એન્ટ્રી ટીમ ઇન્ડિયાને વધુ મજબૂત બનાવી શકે છે. બીજી તરફ, પાકિસ્તાન પાંચ સ્પિનરોને મેદાનમાં ઉતારી ભારતને ફસાવવાની વ્યૂહરચના ઘડી રહ્યું છે.

હવે આખી દુનિયાની નજર એ વાત પર છે કે કોલંબોની પીચ પર કોણ બાજી મારશે? શું હવામાં ઉડતા વાદળો માત્ર ડરાવશે કે પછી રવિવારની આ સાંજ ઐતિહાસિક રન-ચેઝ કે ધમાકેદાર બોલિંગની સાક્ષી બનશે? ક્રિકેટ પ્રેમીઓ અત્યારે બસ એક જ પ્રાર્થના કરી રહ્યા છે – 'વરસાદ ન પડે અને મેચ પૂરી રમાય!'

(2:42 PM IST)