તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
ભારત-પાક મહાયુદ્ધ પર વરસાદનું ગ્રહણ: કોલંબોમાં મેચ ધોવાઈ જશે તો કોની લોટરી લાગશે અને કોનું પત્તું કપાશે? જાણો સુપર-8નું ગણિત
હવામાન વિભાગની લો-પ્રેશરની આગાહીથી ચાહકોના જીવ અધ્ધર; મેચ રદ થાય તો ભારત-પાકિસ્તાન બંનેને ફાયદો, પણ અમેરિકા અને નેધરલેન્ડના સપના પર ફરી શકે છે પાણી

કોલંબો: T20 વર્લ્ડ કપ ૨૦૨૬નો સૌથી મોટો અને હાઈ-વોલ્ટેજ મુકાબલો રવિવાર, ૧૫ ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાવાનો છે. પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડે અગાઉ આ મેચ રમવા સામે કરેલા વિવાદ બાદ આખરે બંને ટીમો મેદાનમાં ટકરાવા તૈયાર છે, ત્યારે કુદરતે ખેલ બગાડવાના એંધાણ આપ્યા છે. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાનાર આ મેચ પર વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે, જે પોઈન્ટ ટેબલના સમીકરણોમાં મોટો ઉલટફેર કરી શકે છે.
કોલંબોમાં વરસાદી માહોલ: પિચને ઢાંકવી પડી
હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ-પૂર્વમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે કોલંબોમાં ભારે વરસાદની શક્યતા છે. શનિવારે સાંજે પણ ત્યાં વરસાદ પડ્યો હતો, જેના કારણે ગ્રાઉન્ડ સ્ટાફને પિચ ઢાંકવાની ફરજ પડી હતી. રવિવારે સાંજે ૬ થી ૮ વાગ્યાની વચ્ચે વરસાદ પડવાની ૯૦% શક્યતા છે. જો રમત શક્ય નહીં બને, તો બંને ટીમોને ૧-૧ પોઈન્ટથી સંતોષ માનવો પડશે.
મેચ રદ થાય તો ભારત-પાકિસ્તાનને 'બખ્ખા'
જો રવિવારની મેચ વરસાદમાં ધોવાઈ જાય, તો ભારત અને પાકિસ્તાન બંને માટે તે સુપર-૮નો રસ્તો આસાન કરી દેશે. હાલ બંને ટીમો પાસે ૪-૪ પોઈન્ટ છે. મેચ રદ થતા બંનેના ૫-૫ પોઈન્ટ થઈ જશે અને બંને ટીમો સત્તાવાર રીતે સુપર-૮ માટે ક્વોલિફાય કરી લેશે. આ સ્થિતિમાં બંને ટીમોને હારવાનો ડર નહીં રહે અને તેઓ આગળના રાઉન્ડમાં આરામથી પહોંચી જશે.
અમેરિકા અને નેધરલેન્ડની આશા પર ફરે એવું પાણી
ભારત-પાકિસ્તાનની મેચ રદ થવાથી સૌથી મોટું નુકસાન અમેરિકા (USA) અને નેધરલેન્ડને થશે. આ બંને ટીમો પાસે હાલ ૨-૨ પોઈન્ટ છે. જો ભારત-પાક મેચનું પરિણામ આવે તો આ બંને ટીમો માટે તક જીવંત રહેત. પરંતુ જો ભારત-પાકિસ્તાન ૫-૫ પોઈન્ટ મેળવી લે, તો અમેરિકા અને નેધરલેન્ડ પોતાની બાકીની મેચો જીતીને પણ મહત્તમ ૪ પોઈન્ટ સુધી જ પહોંચી શકશે, જે તેમને વર્લ્ડ કપમાંથી બહાર કરી દેશે.
હવે આખો દેશ અને વિશ્વભરના ક્રિકેટ ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે કે રવિવારે કોલંબોનું આકાશ ચોખ્ખું રહે અને મેદાનમાં બેટ-બોલનો અસલી જંગ જોવા મળે.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
