News of Thursday, 12th February 2026
મોમો પર પિઝાનો પાવર: T20 વર્લ્ડ કપમાં ઇટાલીની ઐતિહાસિક જીત, નેપાળને 10 વિકેટથી કચડીને ક્રિકેટ જગતમાં મચાવ્યો ‘ભૂકંપ’
વાનખેડે સ્ટેડિયમ ઇટાલીના ‘અઝ્ઝુરરી’ ઉત્સાહથી ગાજી ઉઠ્યું: મોસ્કા ભાઈઓની તોફાની બેટિંગ સામે નેપાળના બોલરો લાચાર; પોઈન્ટ ટેબલમાં ઇંગ્લેન્ડને પણ પાછળ છોડ્યું

મુંબઈ: મુંબઈનું ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ આજે એક અનોખા પરાક્રમનું સાક્ષી બન્યું છે. ફૂટબોલની દુનિયામાં બેતાજ બાદશાહ ગણાતા ઇટાલીએ આજે ક્રિકેટના મેદાનમાં પણ પોતાની તાકાત બતાવી છે. T20 વર્લ્ડ કપ 2026 માં ડેબ્યૂ કરી રહેલા ઇટાલીએ નેપાળને ૧૦ વિકેટે કારમી હાર આપીને ટૂર્નામેન્ટની પ્રથમ ઐતિહાસિક જીત નોંધાવી છે. આ જીત બાદ સોશિયલ મીડિયા પર ‘પિઝા vs મોમો’ ના મીમ્સની વર્ષા થઈ રહી છે.
બોલિંગમાં કાલુગામાગેનો કેર
મેચની શરૂઆતમાં ઇટાલીના બોલરોએ નેપાળી બેટ્સમેનોની કમર તોડી નાખી હતી. ક્રિશન કાલુગામાગેએ માત્ર ૧૮ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી, જ્યારે બેન માનેન્ટીએ ચુસ્ત બોલિંગ કરીને ૨ વિકેટ લીધી હતી. નેપાળની આખી ટીમ ૧૯.૩ ઓવરમાં માત્ર ૧૨૩ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
મોસ્કા ભાઈઓનું તોફાન: માત્ર ૭૬ બોલમાં મેચ ખતમ
૧૨૪ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇટાલીની ટીમે નેપાળના બોલરોને શ્વાસ લેવાની પણ તક આપી નહોતી. જસ્ટિન મોસ્કા (૬૦*) અને એન્થોની મોસ્કા (૬૨*) એ મેદાનની ચારેબાજુ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. બંનેએ માત્ર ૬૪ બોલમાં ૧૦૦ રનની ભાગીદારી પૂરી કરી હતી અને ઇટાલીને ૧૦ વિકેટે વિજય અપાવ્યો હતો.
દિગ્ગજોએ આપ્યા અભિનંદન
આ ઐતિહાસિક જીત બાદ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે ઇટાલીને અભિનંદન આપતા લખ્યું કે, "આ જીત યાદ અપાવે છે કે ક્રિકેટ કેવી રીતે વિશ્વભરમાં ફેલાઈ રહી છે." વસીમ જાફરે પોતાની મજાકિયા શૈલીમાં લખ્યું, "પિઝા > મોમોસ. આ વર્લ્ડ કપનો પ્રથમ મોટો અપસેટ છે."
હવે ઇંગ્લેન્ડ સામે થશે ટક્કર
આ જીત સાથે ઇટાલી હવે ગ્રુપ C માં ઇંગ્લેન્ડથી પણ આગળ ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. હવે ઇટાલીનો આગામી મુકાબલો ૧૬ ફેબ્રુઆરીએ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે દિગ્ગજ ટીમ ઇંગ્લેન્ડ સામે થશે. જો ઇટાલી આ મેચ જીતશે, તો તે સુપર-8 માં પહોંચીને નવો ઈતિહાસ રચી શકે છે.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
