News of Thursday, 12th February 2026
ભારત-પાક મહામુકાબલો બનશે ‘સમાધાન’નું મેદાન: કોલંબોમાં BCCI અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ વચ્ચેના વર્ષો જૂના મનભેદ અંત આવવાની શક્યતા; જાણો શું છે આ ‘આઈસ બ્રેકર’ પ્લાન
T20 વર્લ્ડ કપના બહિષ્કારથી બાંગ્લાદેશને ₹240 કરોડનો ફટકો: ICCના આમંત્રણ પર BCB પ્રમુખ બુલબુલ ભારત-પાકિસ્તાન મેચ જોવા જશે; જય શાહના નેતૃત્વ હેઠળના ICCએ સુરક્ષાના દાવા ફગાવ્યા બાદ હવે મિલીભગતની તૈયારી

કોલંબો: ક્રિકેટના મેદાન પર જ્યારે ભારત અને પાકિસ્તાન આમને-સામને હોય છે, ત્યારે માત્ર રમત જ નહીં પરંતુ રાજદ્વારી સમીકરણો પણ બદલાતા હોય છે. આગામી 15મી ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનારી ભારત-પાકિસ્તાન T20 વર્લ્ડ કપ મેચ માત્ર ચોગ્ગા-છગ્ગા માટે જ નહીં, પણ ભારત (BCCI) અને બાંગ્લાદેશ (BCB) વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોમાં 'બરફ ઓગળવા' (Ice Breaker) માટે પણ યાદગાર બની શકે છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ અમીનુલ ઇસ્લામ બુલબુલ આ હાઈ-પ્રોફાઇલ મેચ જોવા કોલંબો પહોંચશે અને ત્યાં BCCIના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે.
વિકટ પરિસ્થિતિ અને ₹240 કરોડનું નુકસાન
બાંગ્લાદેશમાં વર્ષ 2025માં ફાટી નીકળેલી રાજકીય હિંસા અને અસ્થિરતાને કારણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ક્રિકેટ સંબંધો સાવ તળિયે પહોંચી ગયા હતા. સુરક્ષાના કારણો આગળ ધરીને બાંગ્લાદેશે વર્લ્ડ કપ માટે ભારત આવવાનો ઇનકાર કર્યો હતો, જેના પરિણામે તેમને ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું અને સ્કોટલેન્ડને સ્થાન મળ્યું. આ જીદને કારણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને અંદાજે ₹240 કરોડનું જંગી આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
શું છે ICCનો ‘એશિયન બ્લોક’ પ્લાન?
બાંગ્લાદેશી અખબાર 'પ્રથમ આલો' સાથેની વાતચીતમાં બુલબુલે ખુલાસો કર્યો કે ICC ઇચ્છે છે કે એશિયાના પાંચેય મુખ્ય ક્રિકેટિંગ દેશો (ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન) ના પ્રતિનિધિઓ ભારત-પાક મેચ દરમિયાન એકસાથે હાજર રહે. આ બેઠકનો મુખ્ય હેતુ એશિયન દેશો વચ્ચેની એકતા ફરી સ્થાપિત કરવાનો અને ખાસ કરીને ભારત-બાંગ્લાદેશ વચ્ચેના વિવાદોને વાતચીત દ્વારા ઉકેલવાનો છે.
મુસ્તફિઝુર અને IPLથી શરૂ થયો હતો વિવાદ
નોંધનીય છે કે, વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે BCCI એ કોલકાતા નાઈટ રાઈડર્સને (KKR) બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને તેના કરારમાંથી મુક્ત કરવા જણાવ્યું હતું. ત્યારબાદ બાંગ્લાદેશે ભારત પ્રવાસનો બહિષ્કાર કર્યો. જોકે, જય શાહના નેતૃત્વમાં ICC એ બાંગ્લાદેશના સુરક્ષા ભયના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા હતા. હવે જ્યારે આર્થિક અને આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યું છે, ત્યારે બાંગ્લાદેશ ફરી એકવાર ભારતીય બોર્ડ સાથે મિત્રતાનો હાથ મિલાવવા ઉત્સુક દેખાઈ રહ્યું છે.
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
