તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th February 2026
ભારત-પાક મહામુકાબલા પહેલા ‘મિસ્ટ્રી સ્પિનર’ ઉસ્માન તારિક પર રડાર: અશ્વિને આપ્યું ક્લીનચીટ, પણ આકાશ ચોપરાએ ઉઠાવ્યા ટેકનિકલ સવાલ; શું તેની એક્શન ગેરકાયદેસર છે?
‘સ્ટોપ એન્ડ પોઝ’ એક્શને ક્રિકેટ જગતમાં મચાવી ખળભળાટ: કેવિન પીટરસને ગણાવી ઇલીગલ, જ્યારે પૂર્વ અમ્પાયર અનિલ ચૌધરીએ આપી મંજૂરી; રવિવારે કોલંબોના મેદાન પર ભારતીય બેટ્સમેનોની કસોટી કરશે આ પાકિસ્તાની બોલર

કોલંબો : ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે યોજાનારી હાઈ-વોલ્ટેજ મેચ પહેલા પાકિસ્તાનનો ઓફ-સ્પિનર ઉસ્માન તારિક ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તેની અનોખી 'સ્ટોપ એન્ડ પોઝ' સાઇડ-આર્મ બોલિંગ એક્શને ક્રિકેટના માંધાતાઓને બે ભાગમાં વહેંચી દીધા છે. એકતરફ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસન આ એક્શનને ગેરકાયદેસર ગણાવી રહ્યા છે, તો બીજીતરફ ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને તારિકના સમર્થનમાં બેટિંગ કરી છે.
અશ્વિનનો તર્ક: “ICC ની લેબમાં જ નક્કી થઈ શકે”
રવિચંદ્રન અશ્વિને સોશિયલ મીડિયા પર આ વિવાદમાં ઝંપલાવતા કહ્યું કે, મેદાન પર ઉભેલા અમ્પાયર માટે ૧૫-ડિગ્રીના નિયમનું ચોક્કસ પાલન થાય છે કે નહીં તે નક્કી કરવું અશક્ય છે. અશ્વિને લખ્યું, "જો તે ક્રીઝ પર થોભીને (Pause) બોલિંગ કરે છે, તો તે તેની નિયમિત એક્શન છે અને તે સંપૂર્ણપણે કાયદેસર છે. તેની એક્શનની કાયદેસરતા ફક્ત ICCના ટેસ્ટિંગ સેન્ટરમાં જ ચકાસી શકાય છે."
આકાશ ચોપરાનો સચોટ સવાલ
ભારતના પૂર્વ ઓપનર અને જાણીતા કોમેન્ટેટર આકાશ ચોપરાએ ઉસ્માનની એક્શનમાં એક અલગ જ ટેકનિકલ ખામી શોધી કાઢી છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, "જો કોઈ બોલરનો રન-અપ કોઈ ગતિ ઉત્પન્ન ન કરતો હોય અને તે ક્રીઝ પર આવીને ઉભો રહી જતો હોય, તો હાથ વાળ્યા વગર (ચકિંગ કર્યા વગર) ૨૦-૨૫ કિમીની ઝડપ એકાએક કેવી રીતે વધી શકે?" આ સવાલ હવે ક્રિકેટ વર્તુળોમાં ચર્ચા જગાવી રહ્યો છે.
શું ભારત માટે ખતરો બનશે તારિક?
ઉસ્માન તારિકે અત્યાર સુધી માત્ર ૪ આંતરરાષ્ટ્રીય T20 મેચમાં ૧૧ વિકેટ ઝડપી છે, જ્યારે તેની સમગ્ર T20 કારકિર્દીમાં ૪૨ મેચોમાં ૭૦ વિકેટ છે. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમની ધીમી પીચ પર તેની આ અજીબોગરીબ એક્શન ભારતીય બેટ્સમેનોને મુંઝવણમાં મૂકી શકે છે. જોકે, પૂર્વ આંતરરાષ્ટ્રીય અમ્પાયર અનિલ ચૌધરીએ પણ તારિકની એક્શનને મંજૂરી આપતા કહ્યું છે કે જો કોણી વળતી ન હોય તો તેની એક્શનમાં કોઈ વાંધો નથી.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
