તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th February 2026
દુનિયા ઝૂકી...બ્લુ બ્રિગેડે ઈતિહાસ રચ્યો, વિશ્વ વિજેતા
ભારત છઠ્ઠી વખત ચેમ્પિયન, ઈંગ્લેન્ડને ૧૦૦ રને પછાડયું, વૈભવની વિસ્ફોટક બેટીંગ

નવી દિલ્હીઃ ભારતીય અંડર-૧૯ ક્રિકેટ ટીમે ફરી એકવાર વિશ્વ ક્રિકેટમાં પોતાનો દબદબો સાબિત કર્યો છે. હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલા આઇસીસી મેન્સ અંડર-૧૯ વર્લ્ડ કપ ૨૦૨૬ના ફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને ૧૦૦ રનથી પરાજય આપી છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો.
સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અજેય રહેલી ભારતીય ટીમે ફાઇનલમાં પણ શાનદાર પ્રદર્શન કરી દેશભરના ક્રિકેટપ્રેમીઓને ગર્વની ક્ષણ આપી.
ટોસ જીતીને પ્રથમ બેટિગ કરવાનો નિર્ણય ભારત માટે સંપૂર્ણ રીતે સાચો સાબિત થયો. શરૂઆતમાં એક વિકેટ વહેલી પડ્યા બાદ પણ ભારતીય ઇનિગ્સે જોરદાર ગતિ પકડી. વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રેની જોડીએ ઇનિગ્સને સંભાળી લીધી અને પછી જે થયું તે અંડર-૧૯ વર્લ્ડ કપના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાઈ જશે.
માત્ર ૧૪ વર્ષના વૈભવ સૂર્યવંશીએ ફાઇનલ જેવા દબાણભર્યા મુકાબલામાં વિસ્ફોટક બેટિગ કરી ઇંગ્લેન્ડના બોલરોની લાઇન અને લેન્થ બગાડી નાંખી. તેણે ૮૦ બોલમાં ૧૭૫ રનની ધમાકેદાર ઇનિગ્સ રમી, જેમાં ૧૫ ચોગ્ગા અને ૧૫ છગ્ગા શામેલ હતા. આ પારી દરમિયાન વૈભવે ૫૫ બોલમાં સદી પૂર્ણ કરી, જે અંડર-૧૯ વર્લ્ડ કપ ફાઇનલની સૌથી ઝડપી સદી બની. આ સાથે જ તેણે ટૂર્નામેન્ટમાં અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા.
આયુષ મ્હાત્રેએ પણ વૈભવનો ભરપૂર સાથ આપ્યો અને મહત્વપૂર્ણ અર્ધસદી ફટકારી. બંનેની ભાગીદારીથી ભારતનો સ્કોર ઝડપથી આગળ વધતો ગયો. એક સમયે ઇંગ્લેન્ડના બોલરો સંપૂર્ણ રીતે બેકફૂટ પર નજરે પડ્યા. વૈભવની વિકેટ પડ્યા બાદ પણ ભારતીય મધ્યક્રમ અને નીચલા ક્રમે ઉપયોગી યોગદાન આપ્યું, જેના પરિણામે ભારતે ૫૦ ઓવરમાં ૪૧૧/૯નો વિશાળ સ્કોર ઉભો કર્યો.
૪૧૨ રનના કઠિન લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ પર શરૂઆતથી જ દબાણ હતું. ભારતીય બોલરોને મ
ળેલી મોટી લીડનો પૂરો ફાયદો થયો. શરૂઆતમાં જ મહત્વપૂર્ણ વિકેટો પડતાં ઇંગ્લેન્ડની ઇનિગ્સ લય પકડી શકી નહીં. જોકે, બે-ત્રણ બેટ્સમેનોએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય બોલિગ આક્રમણ સામે તેઓ લાંબો સમય ટકી શક્યા નહીં.
મધ્ય ઓવરોમાં ભારતીય સ્પિન અને પેસ બોલરોની સંયુક્ત મહેનતથી ઇંગ્લેન્ડની રનગતિ પર બ્રેક લાગી. એક સમયે સ્કોરબોર્ડ પર ઇંગ્લેન્ડ ૧૭૭/૭ પર સિમટાઈ ગયું હતું. અંતમાં થોડી ભાગીદારી છતાં ટીમ ૪૦.૨ ઓવરમાં ૩૧૧ રન પર ઓલઆઉટ થઈ ગઈ. આ સાથે જ ભારતે મેચ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો અને ૧૦૦ રનની ભવ્ય જીત નોંધાવી.
આ વિજય સાથે ભારતે અંડર-૧૯ વર્લ્ડ કપ ઇતિહાસમાં છઠ્ઠી વખત ટ્રોફી ઉઠાવી. અગાઉ ભારતે ૨૦૦૦, ૨૦૦૮, ૨૦૧૨, ૨૦૧૮ અને ૨૦૨૨માં ખિતાબ જીત્યા હતા. આ ફાઇનલ ભારતનો કુલ દસમો ફાઇનલ મુકાબલો હતો, જે તેની સતત મજબૂત યુવા ક્રિકેટ પ્રણાલીની સાક્ષી આપે છે. બીજી તરફ ઇંગ્લેન્ડ હજુ સુધી માત્ર એક જ વખત, ૧૯૯૮માં, અંડર-૧૯ વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યું છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
