News of Friday, 6th February 2026
વાનખેડેમાં વર્લ્ડ કપનો જલસો: બાદશાહના રેપ અને નોરાના ડાન્સ સાથે T20 વર્લ્ડ કપ 2026નું ભવ્ય ઓપનિંગ
ભારત vs યુએસએ જંગ પહેલા સંગીત અને ગ્લેમરનો તડકો; જેટપેક દ્વારા ટ્રોફીનું આગમન અને રોહિત શર્માની હાજરી સ્ટેડિયમ ગજવશે

મુંબઈ: વિશ્વભરના ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026નો આવતીકાલે એટલે કે 7 ફેબ્રુઆરીથી મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં ભવ્ય પ્રારંભ થશે. ભારત અને શ્રીલંકા દ્વારા સહ-યજમાન પદે યોજાનારી આ 10મી આવૃત્તિના ઉદઘાટન માટે મુંબઈમાં તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ ભારત અને યુએસએ (USA) વચ્ચે રમાશે, પરંતુ તે પહેલાં સ્ટેજ પર બોલિવૂડ અને સંગીતના સિતારાઓ ધૂમ મચાવશે.
બાદશાહ અને નોરા ફતેહીનું પાવરપેક પરફોર્મન્સ
શનિવારે સાંજે વાનખેડે સ્ટેડિયમ ગ્લેમર અને સંગીતના સૂરથી ગુંજી ઉઠશે. જાણીતો રેપર બાદશાહ અને ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી પોતાના પરફોર્મન્સથી પ્રેક્ષકોને ડોલાવશે. તેમની સાથે સિતાર વાદક ઋષભ શર્મા અને ડ્રમ માસ્ટર શિવમણિનું સંગીતમય ફ્યુઝન સાંજે 6 વાગ્યાથી કાર્યક્રમમાં જોશ ભરી દેશે. આ એક એવો અદભૂત શો હશે જેની યાદો ચાહકોના દિલમાં લાંબા સમય સુધી રહેશે.
ટ્રોફીનું ફિલ્મી સ્ટાઈલમાં આગમન
આ વખતે ઉદઘાટન સમારોહમાં ટેકનોલોજીનો અનોખો નજારો જોવા મળશે. ICC T20 વર્લ્ડ કપની ચમકતી ટ્રોફીને એક જેટપેક પર્ફોર્મર હવામાં ઉડતા સ્ટેડિયમની વચ્ચે લાવશે. આ ટ્રોફીનું સ્વાગત ICC ચેરમેન જય શાહ અને ભારતના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા કરશે. રોહિત શર્મા આ વખતે ICC એમ્બેસેડર તરીકે ખાસ હાજર રહેશે. 20 વિવિધ દેશોના યુવા રાજદૂતો પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે.
વહેલા પહોંચવા ચાહકોને અપીલ
વાનખેડેમાં યોજાનારા આ ભવ્ય શો માટે માત્ર ટિકિટ ધારકોને જ પ્રવેશ મળશે. સુરક્ષા અને ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ અને સ્ટેડિયમ વહીવટીતંત્રે ચાહકોને વહેલા પહોંચવા વિનંતી કરી છે જેથી તેઓ આ અવિશ્વસનીય સમારોહનો એક પણ અંશ ચૂકી ન જાય. આ વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો 55 મેચો રમીને વિશ્વ વિજેતા બનવા માટે મેદાને ઉતરશે.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
