તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th February 2026
RCB નો ડબલ ધમાકો: IPL અને WPL બંને ટ્રોફી એકસાથે જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બની
રજત પાટીદાર બાદ સ્મૃતિ મંધાનાએ રચ્યો ઇતિહાસ; 18 વર્ષના દુકાળ બાદ બેંગ્લોરમાં ટાઇટલ્સનો વરસાદ

બેંગ્લોર: વર્ષો સુધી સોશિયલ મીડિયા પર મજાક અને ટ્રોલ્સનો સામનો કરનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ હવે ક્રિકેટ જગતમાં પોતાનું આધિપત્ય જમાવી દીધું છે. બુધવારે રમાયેલી WPL 2026 ની રોમાંચક ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સને 6 વિકેટથી હરાવીને સ્મૃતિ મંધાનાની સેનાએ બીજી વખત ખિતાબ પોતાના નામે કર્યો છે. આ જીત સાથે જ RCB હવે એક જ સમયે પુરુષ (IPL) અને મહિલા (WPL) બંને વર્લ્ડ ક્લાસ લીગની ચેમ્પિયન બનનારી ઇતિહાસની પ્રથમ ફ્રેન્ચાઇઝી બની ગઈ છે.
સ્મૃતિ મંધાનાનું ‘કેપ્ટન ઇનિંગ’ પ્રદર્શન
ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામેના મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરતા કેપ્ટન સ્મૃતિ મંધાનાએ મેદાનની ચારેબાજુ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. તેણે માત્ર 41 બોલમાં આક્રમક 87 રન ફટકારીને જીતનો પાયો નાખ્યો હતો. તેની સાથે જ્યોર્જિયા વોલે પણ 54 બોલમાં 79 રનનું યોગદાન આપ્યું હતું. આ બંને વચ્ચેની 165 રનની રેકોર્ડબ્રેક ભાગીદારીએ દિલ્હીના બોલરોને લાચાર કરી દીધા હતા અને RCB એ રેકોર્ડ રન ચેઝ કરીને ટ્રોફી જીતી લીધી હતી.
3 વર્ષમાં 3 ટાઇટલ્સ: RCB ની બદલાયેલી કિસ્મત
બેંગ્લોરની ફ્રેન્ચાઇઝી માટે પાછલા ત્રણ વર્ષ સપના સમાન રહ્યા છે. સ્મૃતિ મંધાનાએ 2024માં પ્રથમ WPL ટાઇટલ જીતાડ્યું હતું. ત્યારબાદ, 2025 માં રજત પાટીદારના નેતૃત્વ હેઠળની પુરુષ ટીમે 18 વર્ષની લાંબી રાહનો અંત લાવીને પ્રથમ વખત IPL ટ્રોફી જીતી હતી. હવે, તેના 9 મહિના બાદ ફરી એકવાર મહિલા ટીમે 2026 નું ટાઇટલ જીતીને 'ચેમ્પિયન્સ ઓફ ચેમ્પિયન્સ' નું બિરુદ મેળવ્યું છે.
દિલ્હી કેપિટલ્સની કમનસીબી યથાવત
એકતરફ RCB ઉજવણી કરી રહી છે, ત્યારે બીજી તરફ દિલ્હી કેપિટલ્સ માટે આ હાર અત્યંત પીડાદાયક રહી છે. આ સતત ચોથી ફાઈનલ હતી (IPL અને WPL મળીને) જેમાં દિલ્હીને હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સ જેવી મજબૂત ટીમ પણ હજુ સુધી આ પ્રકારનો ‘ડબલ ચેમ્પિયન’ નો રેકોર્ડ બનાવી શકી નથી. હાલમાં સમગ્ર બેંગ્લોર શહેર ‘Ee Sala Cup Namde’ (આ વખતે કપ અમારો છે) ના નારાઓથી ગુંજી રહ્યું છે.
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
