તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th February 2026
વૈભવ સૂર્યવંશીનું હરારેમાં વાવાઝોડું: અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલમાં 175 રન ફટકારી ઈતિહાસ રચ્યો
માત્ર 55 બોલમાં સદી અને કુલ 15 છગ્ગા: કોહલી-ગિલ જેવા દિગ્ગજોના રેકોર્ડ તોડી 14 વર્ષના વૈભવે વિશ્વને ચોંકાવ્યું

હરારે, તા. 6: ભારતીય ક્રિકેટના ‘વન્ડર બોય’ તરીકે ઓળખાતા વૈભવ સૂર્યવંશીએ અંડર-19 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે રનનો પહાડ ખડકીને સનસનાટી મચાવી દીધી છે. માત્ર 14 વર્ષની કુમળી વયે આ ડાબા હાથના બેટ્સમેને ફાઈનલ જેવી મોટી મેચમાં આક્રમક બેટિંગ કરતા માત્ર 80 બોલમાં 175 રનની અવિશ્વસનીય ઇનિંગ રમી હતી. તેની આ ઇનિંગમાં 15 ચોગ્ગા અને 15 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે.
વૈભવની બેટિંગનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે પોતાની સદી માત્ર 55 બોલમાં પૂરી કરી હતી. તેની આ તોફાની ઇનિંગને પ્રતાપે ભારતે ફાઈનલમાં મજબૂત સ્થિતિ મેળવી લીધી છે. વૈભવ અત્યારે અંડર-19 વર્લ્ડ કપની આ આવૃત્તિમાં 439 રન સાથે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.
રેકોર્ડ્સનો વરસાદ
વૈભવે પોતાની આ ઇનિંગ દરમિયાન વિશ્વના અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે:
• સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ: વૈભવે આ ટૂર્નામેન્ટમાં કુલ 30 છગ્ગા ફટકારીને દક્ષિણ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસ (બેબી એબી) નો 20 છગ્ગાનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
• દિગ્ગજોને પછાડ્યા: યુવા વનડેમાં સૌથી વધુ રન બનાવવાની યાદીમાં વૈભવે વિરાટ કોહલી, શુભમન ગિલ અને સરફરાઝ ખાન જેવા સ્ટાર ખેલાડીઓના રેકોર્ડને પણ પાછળ છોડી દીધા છે.
• ભારતનો ત્રીજો હાઈએસ્ટ સ્કોરર: તે ભારત માટે યુવા વનડે ઇતિહાસમાં ત્રીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે.
વૈભવની આ ઇનિંગે સાબિત કરી દીધું છે કે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે. સેમીફાઈનલમાં અફઘાનિસ્તાન સામે 68 રન કર્યા બાદ ફાઈનલમાં આ વિશાળ સ્કોર બનાવી તેણે પોતે ‘મોટી મેચનો ખેલાડી’ હોવાનું પુરવાર કર્યું છે.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
