<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

તિલક વર્માનું તોફાની કમબેક: T20 વર્લ્ડ કપ પહેલા દક્ષિણ આફ્રિકાના બોલરોને ધોઈ નાખ્યા, ટીમ ઈન્ડિયામાં જોશ

ઈજા બાદ મેદાનમાં ઉતરેલા તિલકની ભાવુક પોસ્ટ: "આટલી જલ્દી વાપસીની આશા નહોતી", 19 બોલમાં 45 રન ફટકારી ફોર્મ સાબિત કર્યું

નવી મુંબઈ, તા.5: ભારતીય ક્રિકેટ ચાહકો માટે T20 વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલાં જ ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાના યુવા ઓલરાઉન્ડર તિલક વર્માએ ઈજામાંથી સાજા થઈને એવું શાનદાર પુનરાગમન કર્યું છે કે વિરોધી ટીમો અત્યારથી જ ચિંતામાં મુકાઈ ગઈ છે. નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી વોર્મ-અપ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતની 30 રને જીત થઈ હતી, જેમાં તિલકની આક્રમક બેટિંગ આકર્ષણનું કેન્દ્ર રહી હતી.
માત્ર 19 બોલમાં 45 રનની વિસ્ફોટક ઇનિંગ રમનાર તિલક વર્માએ મેચ બાદ ભાવુક થતા જણાવ્યું હતું કે, તેને આટલી જલ્દી મેદાન પર પાછા ફરવાની અપેક્ષા નહોતી. તેણે પોતાની રિકવરી માટે BCCI અને સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) નો આભાર માન્યો હતો. તિલકે કહ્યું, "વર્લ્ડ કપ રમવો એ મારું સૌથી મોટું સપનું છે અને જ્યારે આખું સ્ટેડિયમ 'તિલક, તિલક' ના નારા લગાવી રહ્યું હતું, ત્યારે મારો ઉત્સાહ બમણો થઈ ગયો હતો."
ભારતે ખડક્યો 240 રનનો પહાડ
મેચની વાત કરીએ તો, ઈશાન કિશન અને અભિષેક શર્માની જોરદાર શરૂઆત બાદ તિલક વર્માએ પણ મેદાનના ચારેય ખૂણે ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. ભારતનો સ્કોર 5 વિકેટે 240 રન સુધી પહોંચ્યો હતો. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 210 રન જ બનાવી શકી હતી. ભારતની આ જીત અને તિલક વર્માનું ફોર્મ દર્શાવે છે કે ટીમ ઈન્ડિયા શનિવારે યુએસએ સામેની પોતાની પ્રથમ વર્લ્ડ કપ મેચ માટે પૂરી રીતે સજ્જ છે.
 
મેચની હાઈલાઈટ્સ:
•    તિલકનો પાવર: માત્ર 19 બોલમાં 45 રન, સ્ટ્રાઈક રેટ 230થી વધુ.
•    ટીમ સ્કોર: ભારત 240/5, સાઉથ આફ્રિકા 210/8.
•    ઉત્સાહ: સ્ટેડિયમમાં તિલકના નામનો જાપ સાંભળી ખેલાડી ભાવુક થયો.
•    આગામી પડકાર: શનિવારે યુએસએ સામે વર્લ્ડ કપનો પ્રથમ મુકાબલો.

(4:28 PM IST)